#PATAN : વહીવટીતંત્ર એકશન મોડમાં

પાટણ જિલ્લા પંચાયત કચેરીમાં વેક્સિનના બન્ને ડોઝ લેનાર નેજ પ્રવેશ..

જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે કડક અમલવારી માટે વોચમેન ઉભા કરાયા..

પાટણ તા.૧
ઓમિક્રોનના નવા વેરિઅન્ટની દહેશતની સાથે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સંક્રમણની પરિસ્થિતિને નિયંત્રિત કરવા સરકાર દ્વારા એક પરીપત્ર જાહેર કરી સરકારી કચેરીઓમાં જરૂર વગર મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ કચેરીઓમાં મુલાકાતે આવેલા તમામના વેક્સિનના બન્ને ડોઝનું સર્ટી હોય તો જ પ્રવેશવા દેવામાં આવશે.
ત્યારે પાટણ જિલ્લા પંચાયત કચેરી ખાતે કામ અર્થે આવતા અરજદારો અને મુલાકાતીઓએ રસીના બંને ડોઝ પૂર્ણ કર્યા છે કે કેમ તેની સર્ચ તપાસ કર્યા બાદ જ કચેરીમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.


સમગ્ર રાજયભરમાં કોરોનાની સાથે સાથે ઓમિક્રોન લહેરને ધ્યાનમાં રાખી રાજય સરકાર સતર્ક બની છે. જિલ્લાના તમામ આરોગ્ય વિભાગોને આ અંગે સૂચનાઓ આપવામાં આવી છે. સંક્રમણને નિયંત્રિત કરવા જો કોઇપણ વ્યકિતએ રસીકરણના બે ડોઝ પૂર્ણ કર્યા ન હોય તેઓને રસીના ડોઝ લેવા જાહેર પરીપત્ર કરવામાં આવ્યો છે. તો સરકારી કચેરીઓમાં પણ મુલાકાતીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પાટણ જિલ્લા પંચાયતની કચેરી ખાતે શનિવારે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની સૂચના અને પરીપત્ર અનુસંધાને અત્યંત આવશ્યક ન હોય તે સિવાયના મુલાકાતીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે તેવું સાઇનબોર્ડ લગાવવામાં આવ્યું છે.
જીલ્લા પંચાયત કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે બે વોચમેન સહિત અન્ય એક કર્મચારીને ફરજ પર મુકી કચેરીમાં પ્રવેશતા તમામ વ્યકિતઓએ રસીના બે ડોઝ લીધા છે કે કેમ તે અંગેની તપાસ કર્યા બાદ જ અરજદાર કે મુલાકાતીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આમ કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સરકારે જાહેર કરેલા પરીપત્ર અનુસંધાને જિલ્લા વહીવટીતંત્ર એકશન મોડમાં આવ્યું છે.