#PATAN : HNGU યુનિવર્સિટી નાં પ્રાધ્યાપકના ‘રીંછ બચાવ’ના અભિયાનમાં મહાનાયક પણ જોડાયા.

  • વિદ્યાર્થીઓની ટીમે વસાહતોમાં જઈને રિંછ ઉપર અભ્યાસ આદર્યો..
  • એચએનજીયુના પ્રાધ્યાપકની સાથે યુનિવર્સિટી ઉપરાંત વનવિભાગ પણ જોડાયો..
  • પ્રોજેક્ટનો લક્ષ્યાંક માનવ અને રીંછ વચ્ચેના સંઘર્ષને ઘટાડી રીંછને બચાવવાનો :ડો ધારૈયા..
  • રીંછ એ શિડ્‌યુલ્ડ-વન હેઠળનું આરક્ષિત પ્રાણી, 2016ની ગણતરીમાં ગુજરાતમાં 342 રીંછ નોંધાયા…

પાટણ તા.૩
માનવ અને રીંછ વચ્ચેના
ઘર્ષણ ટાળવા તથા જનજાગૃતિના અભાવે રીંછ પર થતાં હુમલા અને તેની ઉપેક્ષિત અવસ્થા સામે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડૉ. નિશીથ ધારૈયાએ સંશોધનાત્મક અભ્યાસ આદર્યો છે, જેને બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો પણ સાથ મળ્યો છે. મહાનાયક અમિતાભ બચ્ચને ડો. નિશીથ ધારૈયાને તેમના ઘરે બોલાવી રીંછ વિશે માહિતી મેળવી હતી. અને તેમને સંદેશાનો અંગ્રેજી અને હિંદી ભાષામાં એક મિનિટનો વીડિયો મોકલ્યો હતો.
ડૉ. નિશીથ ધારૈયાએ રીંછની વન્યલાઈફ અને તેનાં સંરક્ષણ-સંવર્ધન અંગે ઈસરો, અમદાવાદનાં વિજ્ઞાની ડો. સી.પી.સિંઘ સાથે ‘એબિટાટ કનેક્ટીવિટી નામે એક સંશોધનાત્મક પ્રોજેક્ટ કર્યો હતો. જેના અંતર્ગત ઈસરોએ ગુજરાતના જેસોર અને બાલારામ-અંબાજી (બનાસકાંઠા), રતનમહાલ (દાહોદ), જાંબુઘોડા (પંચમહાલ) અને શૂલપાણેશ્વર (નર્મદા) એમ પાંચ રીંછ અભ્યારણ્ય તથા આસપાસનાં વિસ્તારોની સેટેલાઈટ ઈમેજ લઈને ત્યાં જીપીએસ લોકેશન ગોઠવીને ઈકોલોજીક સર્વે આદર્યો હતો. તેમજ એ રિપોર્ટ, નકશા અને મોડૅલને આધારે જંગલોને જોડતો ઈકોલોજીકલ કોરિડોર મેપ તૈયાર કરીને બાલારામ-વિજયનગર, જૈસોર-બાલારામ, રતનમહાલ-જાંબુઘોડામાં કોરિડોર બનાવવા સરકારને ભલામણ કરી હતી.


ડૉ. ધારૈયા કહે છે, રીંછ એકથી બીજા જંગલમાં સરળતાથી આવ-જા કરી શકે એ માટે જંગલ વચ્ચે ઈકોલોજીકલ કોરિડોર હશે તો રીંછનો ખોરાક ગણાતી વનસ્પતિ અને જંગલનાં પશુ-પંખી, પ્રાણીઓનું રક્ષણ થઈ શકે. જો કે, ક્યારેક રીંછ અભ્યારણ્ય બહાર નીકળી જાય છે ત્યારે માનવી સાથે ઘર્ષણમાં આવે છે. તેમના પ્રોજેક્ટનું લક્ષ્યાંક આવા સંઘર્ષને ઘટાડીને રીંછને બચાવવાનું જ છે.
તેમના આ લક્ષ્ય સાથે જ વન વિભાગે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે હાથ મિલાવ્યો છે. આ પ્રોજેક્ટથી યુનિવર્સિટી રીંછના આવાસ અંગે સ્થાનિકોમાં જાગૃતિ લાવવાનાં કાર્યક્રમો તૈયાર કરવામાં વન વિભાગને મદદરૂપ થશે. વન વિભાગનાં અધિકારીઓ અને યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે, અભ્યારણ્યની આસપાસ વસતા આદિજાતિ લોકોનો જીવન નિર્વાહ વન સંસાધન પર આધારિત છે, જેમને દીપડા તથા રીંછ જેવા વન્ય પ્રાણીઓનો સામનો કરવો પડે છે. વળી ઉનાળામાં રીંછના રહેઠાણો તેમજ સંસાધનો સુકાઈ જતા ખોરાક-પાણીની શોધમાં ભટકતાં રીંછને લીધે છેલ્લા એક દાયકામાં રીંછનાં મનુષ્યો પરના હુમલાઓ વધ્યા છે. આથી જ આ લોકો રીંછની વર્તણૂંકને સમજે તે ઇકોલોજી માટે ખૂબ મહત્વનું છે.
ડૉ. ધારૈયા સાથે આ પ્રોજેક્ટમાં સિનિયર પ્રોજેક્ટ ફેલો શાલુ મેસરિયા અને જુનિયર રિસર્ચ ફેલો પ્રતીક દેસાઈ તથા શ્રુતિ પટેલ પણ જોડાયા છે, જેમણે રીંછ અભયારણ્ય વિસ્તારમાં સતત રિસર્ચ કરીને રીંછનાં જીવન અંગે વિવિધ તારણો નોંધ્યા અને તેના આધારે અભ્યારણ્ય વિસ્તારમાં વસતા આદિજાતિ લોકો અને તેમનાં બાળકોને રીંછ સાચી સમજ આપી હતી. તેમનું કહેવું છે કે, તેઓ વનવાસીઓને રીંછ સાથે કેવી રીતે વર્તવું તે અંગે સમજાવીને રીંછને નુકશાન ન પહોંચાડવા લોકોને જાગૃત કરીએ છીએ અને રીંછ અંગે વિવિધ ફેક્ટ્સ નોંધીએ છીએ, કે જે રિસર્ચમાં ઉપયોગી થાય છે.


ડૉ. ધારૈયાનાં કહેવા મુજબ આગામી સમયે 2021-22માં વનવિભાગ સાથે મળીને મધ્ય ગુજરાતના રીંછ વાળા વિસ્તારમાં સ્કવેર કિલોમીટરની ગ્રીડ મૂકી તેમાં કેમેરા ટ્રેપ વડે 15 દિવસ સુધી રીંછની આવ-જા, હાજરી અને હિલચાલ નોંધાશે. આ રીતે રીંછનાં મોનીટરીંગથી તેની સાચી સંખ્યા પણ જાણી શકાશે. રીંછના જીવન અંગે તૈયાર કરાયેલી એક્ટિવ બુક ‘રીંછને ઓળખો રમતા રમતા’ વન્ય વિસ્તારમાં વસતા લોકો અને બીજી બુક ‘રીંછ સાથે સહજીવન’ દ્વારા વનકર્મીઓને રીંછ અંગે માહિતગાર કરવા આ બુક્સની મફત વહેંચણી કરવામાં આવે છે. જેના અભ્યાસ થકી જનજાગૃતિ કેળવાય છે અને રીંછ સાથેનાં માનવીય ઘર્ષણને ટાળી શકાય છે.
ડૉ. ધારૈયાના સંશોધનાત્મક અભ્યાસ હેઠળનો આ પ્રોજેક્ટ અને યુનિવર્સિટી, ઈસરો તથા વન વિભાગનાં સહયોગથી આ દિશામાં વધુમાં વધુ કાર્ય થશે તો રીંછની પ્રજાતિ સહિત તેમના વસવાટોનું પણ સંરક્ષણ અને સંવધર્ન થશે. તેમજ સરકાર ઈકોલોજીકલ કોરિડોરનું કામ ઝડપથી પૂર્ણ કરશે તો સોનામાં સુગંધ ભળી જશે.
વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972 મુજબ સિંહ, વાઘ, દીપડા, વગેરેની જેમ રીંછ પણ શિડ્‌યુલ્ડ-વનમાં સમાવિષ્ટ આરક્ષિત પ્રાણી છે. ગુજરાતના વનવિભાગે 2016માં કરેલી ગણતરીમાં બનાસકાંઠામાં 120, દાહોદમાં 107, છોટા ઉદેપુરમાં 54, સાબરકાંઠામાં 18, નર્મદામાં 23, વડોદરા અને પંચમહાલમાં 12 તેમજ મહેસાણામાં 8 એમ સાત જિલ્લામાં 342 રીંછ નોંધ્યા હતા. જેથી તેનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે જરૂરી બન્યું છે.
ડૉ. ધારૈયાએ રીંછનાં સંરક્ષણ અને જનજાગૃતિ અંગે છ મિનિટની એક ફિલ્મ તૈયાર કરી છે, જેના માટે તેમને મહાનાયક અમિતાભ બચ્ચનને ઈ-મેઈલ કરીને એક સંદેશો મોકલી આપવા વિનંતી કરી હતી. આ વિનંતી ગ્રાહ્ય રાખીને મહાનાયકે ડો. નિશીથ ધારૈયાને તેમના ઘરે બોલાવી રીંછ વિશે માહિતી મેળવી હતી અને તેમને સંદેશાનો અંગ્રેજી અને હિંદી ભાષામાં એક મિનિટનો વીડિયો મોકલ્યો હતો. આમ રીંછ-સંરક્ષણનો ઉત્સાહભેર સંદેશો આપીને મહાનાયકે તેમનો પ્રાણીપ્રેમ વ્યક્ત કરવાની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવ્યું હતું.