#PATAN : મઘમઘતી મધમાખીનો ઉછેર કરતા પાટણના તનવીબેન પટેલ..

પાટણની મહિલાએ આત્મ નિર્ભર ભારત ની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે..

પાટણ તા.૩
આધુનિક સમયમાં દરેક વ્યવસાયમાં નવી પદ્ધતિ અને નવા અવસરોને લીધે બદલાવ આવી રહ્યા છે. ખેતી એ અનાદિકાળથી માનવજાતનો મુખ્ય વ્યવસાય રહ્યો છે. પરંતુ, સમયની સાથે તેમાં પણ આજે અનેક પરિવર્તનો થયા છે. આજે ખેડૂત પરંપરાગત ખેતીની સાથે વધુ ઉત્પાદન, સારું આર્થિક વળતર અને પ્રકૃતિનું પણ જતન થાય એવી પ્રાકૃતિક ખેતીની નવી પદ્ધતિઓ તરફ વળ્યો છે અને એમાં સફળ થઈ રહ્યો છે.

પાટણના તનવીબેન પટેલ પણ આજ વાતને ધ્યાને રાખીને મધમાખી પાલન કરી રહ્યા છે. તનવીબેને વર્ષ ૨૦૨૧માં મધમાખી પાલનની શરૂઆત કરી હતી. સૌપ્રથમ તેઓએ મધમાખીના ૧૦૦ બોક્સ મંગાવ્યા હતા. જેને તેઓએ ખેતરોમાં જ્યાં સરસવ અને અજમાનો પાક હોય ત્યાં ગોઠવ્યા હતા. આ બોક્સમાં રહેલ મધમાખીઓનું વૈજ્ઞનિક ઢબે પાલન અને તેની યોગ્ય સારસંભાળ દ્વારા તનવીબેને સારા પ્રમાણમાં મધ મેળવ્યું હતું અને તેમણે સારી એવી આવક મેળવી હતી. તેમને મધમાખી પાલનની પ્રેરણા ક્યાંથી મળી એ વિષે વાત કરતાં તનવીબેન જણાવે છે કે વર્ષ ૨૦૧૬માં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ડીસા આવ્યા ત્યારે તેમણે ખેડૂતોને મધમાખી પાલન કરીને ‘સ્વીટ ક્રાંતિ’ માટે આહ્વાન કર્યું હતું. જેના થકી ખેડૂત સારી આવક પણ મેળવી શકે છે. ત્યાર પછી તનવીબેને એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું. મધમાખી પાલન અંગેની વિગતવાર માહિતી મેળવીને તાલીમ લીધી અને ગુજરાત સરકારના બાગાયત વિભાગનો સંપર્ક કરીને મળતી સહાયની જાણકારી મેળવી.


હાલમાં તનવીબેને બીજા નવા ૩૦૦ મધમાખીના બોક્સ લાવીને પાટણના આજુબાજુના ખેતરોમાં જ્યાં સરસવના ફૂલ હોય ત્યાં ગોઠવ્યા છે. મધ અનેક ઔષધીય ગુણો ધરાવતું હોવાથી બજારમાં તેની ખૂબ જ માંગ રહે છે. સાથે જ અલગ અલગ ફ્લેવર્સના મધ પણ બજારમાં વેચાતા હોવાથી તનવીબેન તે પણ માર્કેટમાં પૂરા પાડે છે. અત્યારે તેમના દ્વારા ઉત્પાદિત થતું શુદ્ધ ઓર્ગેનિક મધ તેઓ પાટણ અને આસપાસના વિસ્તારોમાં પેકિંગ કરીને વેચે છે. મધમાખી પાલનની કામગીરીમાં તનવીબેનેને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષ પટેલ તથા નાયબ બાગાયત નિયામક મુકેશ ગલવાડિયા પૂરતું માર્ગદર્શન કરે છે. ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા મધમાખીના પાલન માટે બોક્સ પર ૫૫% સબસીડી ખેડૂતને આપવામાં આવે છે.
આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરતા મહિલા ખેડૂત તનવીબેન પોતાની સાથે અન્ય ૪ થી ૫ લોકોને દૈનિક ધોરણે રોજગારી પૂરી પાડી રહ્યા છે. ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને એમની આવક બમણી થાય એ માટે સતત પ્રોત્સાહન આપતા રહે છે. એક મહિલા ખેડૂત તરીકે તનવીબેન પટેલ મધમાખી પાલન કરીને સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને પરંપરાગત ખેતી સાથે નવી પદ્ધતિથી ખેતી કરવા માંગતા ખેડૂતોને નવી રાહ ચીંધી રહ્યા છે.