પાટણ શહેરમાં કોરોના પોઝિટિવ વધું ત્રણ કેશ પ્રકાશમાં આવ્યા..

પાટણ જિલ્લામાં કોરોના ની ત્રીજી લહેરના કેશો આજે શુક્રવારના બીજા દિવસે પણ પ્રકાશ મા આવવા પામ્યા છે. જેમાં પાટણ શહેરના દેવદર્શન કોમ્પલેક્ષની પાછળ આવેલ શક્તિ પાર્ક સોસાયટીમા એક ૨૩ વર્ષિય પુરૂષ અને એક ૪૮ વર્ષિય પુરૂષ તેમજ શહેરની વેદ ટાઉનશિપ માં રહેતા ૨૬ વર્ષિય પુરૂષ કે જે ત્રણેય પુરુષ નાં કોરોના રિપોર્ટ અમદાવાદ ની ખાનગી લેબ મા કરાવતા પોઝિટિવ આવતાં ત્રણેય કોરોના સંકમિત દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

હારીજ તાલુકાના રસુલપુરા ખાતે આવેલા સાંકળીયા વાસ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયો…

મેડિકલ ઈમરજન્સી અને આવશ્યક ચીજ વસ્તુઓ કે સેવાઓનો પુરવઠો જાળવી રાખવાના હેતુ સિવાય જાહેર રોડ પર ફરવા કે અવર-જવર પર પ્રતિબંધ

file photo

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા સાથે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદીપસિંહ રાઠોડ દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોનની ગાઈડલાઈન તથા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ સમી દ્વારા મોકલી આપવામાં આવેલી દરખાસ્તના પગલે લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલા રૂપે હારીજ તાલુકાના રસુલપુરા ખાતે આવેલા સાંકળીયા વાસમાં વધારાના પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૩) હેઠળ મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદીપસિંહ રાઠોડ દ્વારા હારીજ તાલુકાના રસુલપુરા ખાતે આવેલા સાંકળીયા વાસ વિસ્તારના ઘર નં.૦૧ થી ૦૫ને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા વિવિધ કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જે મુજબ ઉપરોક્ત વિસ્તારોમાં માત્ર આવશ્યક પ્રવૃત્તિઓને જ પરવાનગી આપવામાં આવી છે. મેડિકલ ઈમરજન્સી તથા આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો જાળવી રાખવાના હેતુ સિવાય કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોના આવન-જાવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સાથે સાથે કામદારો, કારીગરો, કર્મચારીઓ, દુકાન માલિકો વગેરે જેઓના ઘર કે વસવાટ કન્ટેઈનમેન્ટ કે માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં આવેલ હોય તેઓને આ કન્ટેઈનમેન્ટ કે માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર કે ઝોન છોડી બહાર નિકળવાની પરવાનગી રહેશે નહીં
સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી કે અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને તથા સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશો હેઠળ જેઓને મુક્તિ મળવા પાત્ર છે તેવા ઈસમોને તથા અધિકૃત અધિકારી દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ પાસ ધારકોને આ હુકમ લાગુ પડશે નહીં.
કન્ટેઈનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરેલા વિસ્તારમાં આ જાહેરનામું તા.૧૯ જાન્યુઆરી, ૨૦૨૨ સુધી અમલમાં રહેશે.
આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.