#PATAN : માસ્કના ફરજિયાત ઉપયોગ અંગે જાગૃતિ કેળવવા તંત્રની ડ્રાઈવ…

જાહેર સ્થળોએ માસ્ક પહેરવા અંગે સમજૂતી આપવા સાથે માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ..

પાટણ તા.૮
કોરોના વાયરસના સંક્રમણમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોમાં માસ્ક પહેરવા અંગે જાગૃતિ આવે તે માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.


રાજ્યભરમાં કોવિડ અને તેના નવા સ્ટ્રેઇન ઓમિક્રોનના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં પણ છેલ્લા બે દિવસમાં કોવિડ-19ના કુલ ચાર કેસ નોંધાયા છે જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવા અંગે જનજાગૃતિ કેળવાય તે માટે માસ્ક ડ્રાઇવ યોજવામાં આવી રહી છે.
પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ સહિતના વિભાગોના કર્મચારીઓ તથા અધિકારીઓ દ્વારા બસ સ્ટેશન અને બજાર વિસ્તાર જેવા જાહેર સ્થળોએ નાગરિકોને માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવા સમજૂતી આપવા સાથે માસ્કનું નિ:શુલ્ક વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં માસ્કનો ઉપયોગ ન કરનાર પ્રજાજનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવાયું હતું.