#PATAN : તાલુકામાં કોરોના માં મૃત્યુ પામેલા ૧૨૭ સ્વજનના પરિવાર ને રૂ.૬૩.૫૦ લાખની સહાય ચુકવાઈ..

શહેરમાંથી ૧૦૩ અને ગ્રામ્ય વિસ્તારની ૨૪ અરજી મળી કુલ ૧૨૭ અરજદારોને રૂ.૫૦ હજાર લેખે રકમ ચુકવવામાં આવી..

પાટણ તા.૮
કોરોનાની ભયંકર મહામારીમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે અનેક લોકોએ આ મહામારીમાં બીમાર પડીને સારવાર પાછળ લાખો રૂપિયા ખર્ચી નાંખ્યા છે. સરકાર દ્વારા કોરોનાની મહામારી જાહેર કરીને આ બિમારીના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિઓના વારસદારોને રૂ.૫૦ હજાર પ્રમાણે મૃત સહાય ચૂકવવામાં આવી રહી છે.
પાટણ મામલતદાર ચાર્મીબેન પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં મામલતદાર કચેરીમાં કોરોનામાં અવસાન પામેલા વ્યક્તિઓના વારસદારોએ રૂ.૫૦ હજારની મૃત સહાય માટે અરજીઓ કરી હતી તે અરજીઓની ચકાસણી કરીને પાટણ શહેરની ૧૦૩ અને ગ્રામ્ય વિસ્તારની ૨૪ અરજીઓ મળી કુલ ૧૨૭ અરજીઓને માન્ય રાખવામાં આવી છે અને અત્યાર સુધીમાં દરેક મૃત સ્વજનના પરિવારજનો ને રૂ.૫૦ હજાર લેખે કુલ ૬૩,૫૦,૦૦૦ની સહાય મૃતકના વારસદારને સીધા બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી હોવાનું અને હાલમાં પણ કોરોના મૃતકોની સહાયની અરજીઓ સ્વીકારવાનું ચાલુ હોવાનું પાટણ મામલતદારે જણાવ્યું હતું.