#PATAN : જિલ્લામાં કોરોના નિયંત્રણ માટે કલેક્ટરે દૈનિક સમીક્ષા બેઠક શરૂ કરી..

કલેક્ટરે દૈનિક ધોરણે આરોગ્ય, રેવન્યુ, પોલીસ તથા અન્ય વિભાગોના અધિકારીઓ સાથે કોવિડ-૧૯ની કામગીરીનો રિવ્યુ તથા અટકાયતી પગલા માટે ચર્ચા કરશે..

પાટણ તા.10
પાટણ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘણા લાંબા સમય બાદ વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના સંક્રમણમાં વધારો ન થાય એ માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લા કલેકટર દ્વારા નિયમિત રીતે જિલ્લાની કોવિડ ટાસ્ક ફોર્સ કોર કમીટીના સભ્યોની દૈનિક ધોરણે મીટીંગ કરીને તેનો રિવ્યુ કરવાની સોમવારથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ હાજર રહી તેમને સોંપવામાં આવેલ જવાબદારી મુજબ પરિસ્થિતિ અંગે કલેક્ટરને અવગત કરશે અને વિવિધ મુદ્દાઓ પર યોગ્ય ચર્ચા વિચારણા કરી રણનીતિ નક્કી કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટરે જણાવ્યુ હતું કે અત્યારે પાટણ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થતા સમગ્ર વહીવટીતંત્રનું મુખ્ય ફોકસ કોરોનાના અટકાયત માટેનું છે. નિયમિત રીતે યોજાનાર આ મીટીંગમાં કોરોનાના દૈનિક કેસ, તેનું મોનીટરીંગ, કન્ટેન્ટમેન્ટ ઝોનની વિગતો, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સરવે, ટેસ્ટીંગ, રસીકરણ, કોવિડ હોસ્પિટલ્સની પરિસ્થિતિ, કોવીડ ફ્લુ કલીનીક, દરેક સામુહિક આરોગ્ય કેન્દ્ર પર બેડ અને ઓક્સીજન પ્લાન્ટની સ્થિતિ, દવાઓની કીટ, કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વગેરેની જિલ્લા કલેકટર દ્વારા સમીક્ષા કરવામાં આવશે. દરેક તાલુકામાં કોરોના સંબંધિત માહિતી માટે કોવિડ કોલ સેન્ટર શરૂ કરવાની સૂચના કલેકટરશ્રી દ્વારા આપવામાં આવી હતી.
અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર વખતે પાટણ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને સતત ૫૫ (પંચાવન) દિવસ સુધી દૈનિક ધોરણે જિલ્લા કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોની મીટીંગ થઈ હતી અને પાટણ જિલ્લામાં કોરોનાના નિયંત્રણ માટે રણનીતી ઘડીને યોગ્ય અમલીકરણ થયું હતું.
આ મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, મદદનીશ કલેકટર સચિન કુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોશી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.એ.આર્ય, સિવિલ સર્જન ડૉ.અરવિંદ પરમાર, ધારપુર મેડિકલ કોલેજના સુપ્રિટેન્ડન્ટ ડો.મનિષ રામાવત, સિદ્ધપુર પ્રાંત અધિકારી ડૉ.સુપ્રિયા ગાંગુલી, નાયબ પોલીસ અધિક્ષક જે.ટી.સોનારા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દિલિપસિંહ રાઠોડ, નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવી, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ, ડિઝાસ્ટર મામલતદાર હિતેશ રાવલ, આઈ.ટી.આઈ.ના આચાર્યા સુશ્રી મયૂરી પ્રજાપતિ તથા ડો.અક્ષય પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.