#PATAN : આદર્શ હાઈસ્કુલ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી…

પાટણ તા.૧૨
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વામી વિવેકાનંદ જન્મજયંતીની ઉજવણી પ્રસંગે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, જીલ્લા રમતગમત અધિકારીની કચેરી અને આદર્શ વિદ્યાલયના સહયોગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.


પાટણ શહેરની આદર્શ હાઈસ્કુલ ખાતે રાષ્ટ્રીય યુવા ઉત્સવ દિવસનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી દ્વારા યુવાઓને પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે શાંતિનિકેતન વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા લોકનૃત્ય રજુ કરવામાં આવ્યું હતું. સાથે જ પુનાસણ ગામની અને એમ.એન. વિદ્યાલયની કબડ્ડી બહેનોની બે ટીમો વચ્ચે મેચ રમવામાં આવી હતી.


આ પ્રસંગે અમનસિંહ રાઉલ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગોનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું. સાથે જ સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગોને વર્ણવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી વિરેન્દ્રભાઈ પટેલ સહિત જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના કર્મચારીઓ, આદર્શ સાયન્સ કોલેજના આચાર્ય હરીભાઈ ચૌધરી તથા કલાકારો અને ખેલાડીઓ મળી ૧૫૦ ની સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ઉપસ્થિત રહ્યા હતા.