#PATAN : કમલીવાડા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી ચાલક નું મોત નિપજાવી ફરાર થયો…

અકસ્માત કરી નાશી છુટેલા અજાણ્યા વાહન ચાલક સામે મૃતકનાં ભાઈ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી..

પાટણ તા.15
પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પરથી પૂરઝડપે અને ગફલતભરી રીતે પસાર થતા વાહનચાલકો અવાર-નવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સજૅતા અનેક નિર્દોષ જીંદગીઓ મોતના મુખમાં ધકેલી દેતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે મકરસંક્રાંતિના દિવસે કમલીવાડા ગામ નજીક કોઈ અજાણ્યા વાહનચાલકે બાઈક ચાલકને ટક્કર મારી મોત નીપજાવી પોતાનું વાહન લઈ ભાગી છૂટયા હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણના કમલીવાડા (રામપુરા) ખાતે રહેતા અને સંયુક્ત પરિવાર માં રહેતા ખેડૂત પરિવારનો પુત્ર મેહુલ કનુભાઈ ઉતરાયણ ની સાંજ નાં પોતાનું મોટરસાયકલ નં જીજે 24 એબી 6629 લઈને હાઈવે પરની આશ્રમ હોટલ ઉપર ચકકર મારી પરત ધરે આવી રહ્યો હતો તે સમયે માગૅ પરથી પુરઝડપે અને ગફલતભરી રીતે પસાર થઈ રહેલ કોઈ અજાણ્યા વાહનચાલકે બાઈક ચાલક મેહુલ ને ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી પોતાનું વાહન લઇને ફરાર થઈ ગયો હતો જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા ઈસમને તાત્કાલિક સારવાર અર્થે પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન શનિવારે તેનું મોત નિપજયુ હતું.
આ અકસ્માતના બનાવની જાણ મૃતકનાં પરિવારજનોને થતાં તેઓ પણ ધટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પાટણ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક સામે એ ડીવીઝન પોલીસ મથકે મૃતકનાં મોટા ભાઈ વિપુલભાઈ દ્વારા કાયદેસરની કાર્યવાહી અથૅ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.