#PATAN : સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાની માંગણી સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો…

યુનિ.ના કર્મચારીઓ સહિત જિલ્લા પંચાયત, તલાટી કર્મચારીઓએ પણ વિરોધ માં જોડાયા.

રાજ્યમાં સરકારી કર્મચારીઓ દ્વારા નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. જેને લઈ શુક્રવારના રોજ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે પાટણમાં પણ સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાની માંગણી સાથે કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
શુક્રવારથી યુનિ.ના કર્મચારીઓ, જિલ્લા પંચાયત, તલાટી સહિત કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી
જૂની પેન્શન યોજનાનો લાભ પડોશી રાજ્યો રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં આપવામાં આવી રહ્યા છે. પરંતું ગુજરાતમાં આ લાભ આપવામાં ન આવતા રાજ્યના કર્મચારીઓમાં વિરોધ ઉગ્ર બન્યો છે. જેને પરિણામે અલગ-અલગ સરકારી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ નવી પેન્શન યોજના રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી કરી છે.
પાટણ જિલ્લાના કર્મચારીઓ આજથી લડત આંદોલન શરૂ કર્યું છે. જેમાં જિલ્લાના સરકારી કર્મચારીઓમાં યુનિ.ના કર્મચારીઓ, તાલુકા અને જિલ્લા પંચાયતના કર્મચારીઓ, ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અલગ-અલગ કેડરના કર્મચારીઓ સહિતનાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. અને જુની પેન્સન યોજના લાગુ કરવાની માંગણી સાથે આજથી નોકરીના સ્થળે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી વિરોધ નોંધાવ્યો હતો.