#PATAN : શિક્ષણ નગરી પાટણમાં શ્રી વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ.કે.યુનિવર્સિટી ની માન્યતા પ્રાપ્ત થઈ..

પાટણ,ગાંધીનગર, અમદાવાદ અને સુરત સહિત રાજ્યના 7 જિલ્લાઓમાં નવીન 11 ખાનગી યુનિવર્સિટીઓ શરૂ થશે…

શિક્ષણ નગરી પાટણમાં શ્રી વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ કે. યુનિવર્સિટીની માન્યતા સાથે ગુજરાતમાં પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને સુરત મળીને કુલ 7 જિલ્લામાં 11 જેટલી ખાનગી યુનિવર્સિટીઓને મંજુરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ ગુરૂવારના રોજ વિધાનસભાની બેઠકમાં શિક્ષમંત્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક 2022ની ચર્ચામાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતના વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ અનુરૂપ વિશ્વકક્ષાનું ગુણવત્તાયુકત અને સમયની માંગ આધારિત ઉચ્ચ શિક્ષણ પુરૂં પાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં સરકાર સંચાલિત યુનિવર્સિટીઓને પૂરક બનીને ખાનગી યુનિવર્સિટીઓ પણ ક્વોલિટી એજ્યુકેશન આપવામાં કસોટીની એરણે ખરી ઉતરી છે. એટલું જ નહિ, રાજ્યના યુવાનોને ગુજરાત બહાર ક્યાંય ઉચ્ચ શિક્ષણ મેળવવા મોંઘીદાટ ફી ભરીને જવું ન પડે અને ઘરઆંગણે જ વન કલાસ એજ્યુકેશન આપીને ગુજરાતને એજ્યુકેશનલ હબ બનાવવાના નિર્ધારમાં પણ આવી યુનિવર્સિટીઓ સ્પર્ધાત્મક શિક્ષણ પુરૂં પાડી રહી છે.દેશમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરતાં શિક્ષણ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની એજ્યુકેશન સિસ્ટમમાં સમયાનુકૂલ બદલાવ લાવવા ગહન વિચાર મંથન બાદ નવી શિક્ષણ નીતિ જાહેર કરીને તેનો અમલ શરૂ કરાવ્યો છે. આ નીતિના આયોજનમાં વર્ષ 2030 સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50 ટકા સુધી લઇ જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ ધોરણ-12 પછી કોલેજમાં પ્રવેશની જે ટકાવારી છે તેને નવી શિક્ષણ નીતિ મુજબ 50 ટકાએ પહોંચાડવા શિક્ષણનો વ્યાપ વિસ્તારવો આવશ્યક છે. આ હેતુસર જ્ઞાન-વિજ્ઞાનની આ 21મી સદીમાં ગુજરાતને અદ્યતન અને સમયાનુકૂલ શિક્ષણમાં દેશમાં અગ્રેસર રાખવા રાજ્ય સરકારની યુનિવર્સિટીઓ ઉપરાંત ખાનગી યુનિવર્સિટીઓનું પ્રદાન પણ એટલું જ આવકાર્ય છે.
રાજ્યમાં હાલ 91 યુનિવર્સિટીઓ કાર્યરત હોવાનું શિક્ષણ મંત્રીએ જણાવી કહ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ 2002 માં 11 યુનિવર્સિટીઝ હતી જે વધીને બાવન (52) ખાનગી યુનિવર્સિટીઓ સાથે અત્યારે 91 યુનિવર્સિટીઓ કાયૅરત છે. જેમાં હજુ પણ 11 નવી યુનિવર્સિટીનો વધારો થશે. આ યુનિવર્સિટીઓમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીથી માંડીને રક્ષાશક્તિ, ફોરેન્સીક સાયન્સ અને મરિન યુનિવર્સિટી જેવી સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓ વિશ્વકક્ષાનું જ્ઞાન ગુજરાતમાં ઘર આંગણે પુરું પાડશે.અને આ નવી 11 ખાનગી યુનિવર્સિટીઓ ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક 2022 ના પરિણામે હવે, શિક્ષણ નગરી પાટણમાં શ્રી વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ.કે. યુનિવર્સિટી, ગાંધીનગર યુનિવર્સિટી, SKIPS યુનિવર્સિટી- ગાંધીનગર, સ્વામીનારાયણ યુનિવર્સિટી-ગાંધીનગર, ડૉ. સુભાષ યુનિવર્સિટી-જુનાગઢ, ટ્રાન્સસ્ટેડીયા યુનિવર્સિટી- અમદાવાદ, અદાણી યુનિવર્સિટી-જુનાગઢ, નોબલ યુનિવર્સિટી-અમદાવાદ, વિદ્યાદીપ યુનિવર્સિટી-સુરત, મગનભાઇ દેનવાલા મહા- ગુજરાત યુનિવર્સિટી-ખેડા અને લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન- ભાવનગર મળીને વધુ 11 નવી ખાનગી યુનિવર્સિટીઓ રાજ્યમાં શરૂ થશે. શિક્ષણ નગરી પાટણ ખાતે શ્રી વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ.કે. યુનિવર્સિટીને માન્યતા પ્રાપ્ત થતાં પાટણ શહેર સહિત સમગ્ર પંથકના શિક્ષણ પ્રેમીઓ માં અને પાટણના પ્રબુદ્ધ નગરજનોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.