#VARAHI_NEWCOURT : ગુજરાત વડી અદાલતના ન્યાયમૂર્તિ સુશ્રી વૈભવી નાણાવટીના હસ્તે વારાહી અદાલત સંકુલનું લોકાર્પણ કરાયું..

પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ ડી.એ. હીંગુ અને જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી સહિતના મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા..

રૂ.7.80 કરોડના ખર્ચે નવનિર્મિત કોર્ટ સંકુલમાં સ્ટાફ રૂમ, બાર રૂમ, બાર લાયબ્રેરી, વિડિયો કોન્ફરન્સ રૂમ અને કેન્ટીન સહિતની સુવિધા…

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નવીન સિવિલ કોર્ટ સંકુલનો હાઈકોર્ટના જસ્ટીસ અને પાટણ એડમીનીસ્ટ્રેટીવ જજ સુશ્રી વૈભવી નાણાવટીના હસ્તે શનિવારના દિવસે લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
વારાહી ખાતે રૂ.7.80 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સુવિધાયુક્ત નવીન કોર્ટ સંકુલના લોકાર્પણ પ્રસંગે પાટણના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ જજ ડી.એ. હીંગુ, સાંતલપુર પ્રિન્સીપલ સિવિલ જજ જે.જે. મોદી તથા જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે હાઈકોર્ટના જસ્ટીસ સુશ્રી વૈભવી નાણાવટીએ જણાવ્યું હતું કે, નામદાર હાઈકોર્ટના પ્રયત્નો અને રાજ્ય સરકારના સહયોગથી આધુનિક સુવિધાઓયુક્ત આ કોર્ટ સંકુલનું નિર્માણ શક્ય બન્યું છે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી દરમ્યાન લોકાર્પિત આ સંકુલમાં વકિલો અને ન્યાયાધિશોના પરસ્પર સહયોગથી ન્યાયની પ્રક્રિયા વધુ ઝડપી બનશે તેવો મને વિશ્વાસ છે.વધુમાં હાઈકોર્ટના જસ્ટીસ સુશ્રી વૈભવી નાણાવટીએ ઉમેર્યું કે, ટેક્નોલોજીના વધતા વ્યાપના કારણે ગુનાખોરીની નવી તરકીબો અને લોકોમાં કાયદાકીય પ્રક્રિયા અંગે આવેલી જાગૃતિના પરિણામે અદાલતોમાં કેસોની સંખ્યા પણ વધવા પામી છે. સાથે સાથે પાટણ જિલ્લાની અદાલતોના ન્યાયાધીશો દ્વારા લોકઅદાલતમાં થઈ રહેલી ઉત્તમ કામગીરીની નોંધ વડી અદાલતે પણ લીધી છે, જે અભિનંદનને પાત્ર છે.


શ્રીમદ ભગવદ ગીતા અને ભારતીય સંવિધાનની સરખામણી દ્વારા પાટણ એડમીનીસ્ટ્રેટીવ જજ સુશ્રી વૈભવી નાણાવટીએ કાયદા સમક્ષ તમામને સમાનતાપૂર્ણ અભિગમથી ન્યાય આપી લોકોનો ન્યાયતંત્ર પ્રત્યે વિશ્વાસ જળવાઈ રહે તે પ્રકારે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.


પ્રાસંગીક ઉદબોધન કરતાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ડી.એ. હીંગુએ જણાવ્યું કે, પવિત્ર ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે નવીન કોર્ટ સંકુલનું લોકાર્પણ આનંદનો અવસર છે. વારાહી ખાતે વર્ષ 2013થી કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં શરૂ કરવામાં આવેલી અદાલતને આજે ભવિષ્યલક્ષી આયોજન ધરાવતું નવીન કોર્ટ સંકુલ મળ્યું છે. આવનારા સમયમાં એકસાથે 04 કોર્ટ ચાલી શકે તે માટે અલાયદા કોર્ટરૂમ, સ્ટાફ રૂમ, બાર રૂમ, બાર લાયબ્રેરી, વિડિયો કોન્ફરન્સ રૂમ અને કેન્ટીન જેવી આધુનિક સુવિધાઓ ધરાવતું વારાહી કોર્ટ સંકુલ થકી કાર્યદક્ષતામાં વધારો થશે.


નવા સિવિલ કોર્ટ સંકુલ ખાતે હાઈકોર્ટના જસ્ટીસ સુશ્રી વૈભવી નાણાવટીએ તકતીનું અનાવરણ કરી કોર્ટ મકાનને ખુલ્લુ મુકવા સાથે વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. સાથે જ સાંતલપુર પ્રિન્સિપલ જજ અને જે.એમ.એફ.સી. જે.જે. મોદીને તેમના નવા કોર્ટરૂમ માટે બુકે આપી શુભેચ્છા પાઠવી હતી.
પાટણના એડમિનિસ્ટ્રેટીવ જજ સુશ્રી વૈભવી નાણાવટી દ્વારા પાટણ જિલ્લાની અદાલતોના ન્યાયાધિશોને નામદાર હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ક્રોમબુક અને પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. મહાનુભાવો દ્વારા વારાહી કોર્ટ સંકુલમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.વારાહી મુકામે રૂ.7.80 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત કોર્ટ સંકુલમાં 04 કોર્ટરૂમ, વિડિયો કોન્ફરન્સીંગ રૂમ, મહિલા સાક્ષી રૂમ, બાર લાઈબ્રેરી, જસ્ટીસશ્રીઓના ચેમ્બર્સ, વકિલશ્રીઓ માટે રૂમ, કોન્ફરન્સ હૉલ અને સ્ટાફ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


આ પ્રસંગે પાટણ ફેમીલી કોર્ટના જજશ્રી કુ.કે.આર. પ્રજાપતિ, જિલ્લાની તમામ અદાલતોના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજશ્રીઓ, ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટશ્રીઓ, એડીશ્નલ ડીસ્ટ્રિક્ટ અને સિવિલ જજશ્રીઓ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી એમ.આર. ઠક્કર, સાંતલપુર બાર એસોશિએશનના પ્રમુખ એસ.એન. થેબા, જિલ્લાની અન્ય અદાલતોના બાર એસોશિએશનના પ્રમુખો, વકિલો તથા કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.