કયા કારણે….? ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આપી રહ્યા છે ફરી થી ચીમકી……..

માણસા માંથી ચોરાયેલી આંબેડકરની પ્રતિમા 48 કલાકમાં નહીં મળે તો ગાંધીનગરમાં ચક્કાજામ કરીશું..

એટ્રોસીટી એક્ટ મુજબનો ગુનો હોવા છતાં પ્રતિમા શોધવામાં પોલીસની ઉદાસીનતા : જીગ્નેશ મેવાણી

તા.૩
માણસા તાલુકાનાં અંબોડ આનંદપૂરા ગામની રોહિત નગર સોસાયટી પાસેથી સાત વર્ષ અગાઉ મૂકવામાં આવેલી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ચોરાઈ જવાની ઘટનાને પગલે વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ચીમકી આપી છે. જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, આગામી 48 કલાકમાં પ્રતિમાને શોધી કાઢવામાં નહીં આવે તો ગાંધીનગરમાં ચક્કાજામ કરીને દલિત વિરોધી સરકારનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.


માણસા તાલુકાના અંબોડ ગામના આનંદપૂરા ખાતે આવેલા રોહિદાસ નગર વસાહત પાસે સાતેક વર્ષ પહેલાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અહીં દલિત સમાજ દ્વારા વાર તહેવારે આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પણ કરવામાં આવતો રહે છે. ગત તા. 30મી માર્ચના રોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમે અંધારાનો લાભ ઉઠાવીને ડો. આંબેડકરની પ્રતિમા ચોરી કરી લીધાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ સમગ્ર પ્રકરણમાં માણસા પોલીસ દ્વારા 72 કલાકથી અલગ અલગ ટીમો બનાવીને દોડધામ કરી મૂકવામાં આવી છે, પરંતુ હજુ સુધી આંબેડકરની પ્રતિમાની કોઇ ભાળ મળી નથી. જેનાં કારણે દલિત સમાજમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. આ અંગે વડગામ ગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ચીમકી આપી છે કે, આગામી 48 કલાકમાં આંબેડકરની પ્રતિમા શોધવામાં નહીં આવે તો ગાંધીનગરના ચારે તરફના રસ્તાઓ ચક્કાજામ કરવામાં આવશે.


વધુમાં મેવાણીએ ઉમેર્યું હતું કે, આંબેડકરની પ્રતિમા ચોરાઈ જવાની ઘટના એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો બને છે. તેમ છતાં દલિત વિરોધી સરકાર ત્રણ દિવસ થવા આવ્યા છતાં આંબેડકરની પ્રતિમા શોધવામાં નિષ્ફળ રહી છે. આગામી 48 કલાકમાં પ્રતિમા શોધીને બંધારણના ઘડવૈયા આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે. તેમજ આની પાછળ સંડોવાયેલ તત્વો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરી સખ્તમાં સખ્ત સજા કરવામાં નહીં આવે તો ગાંધીનગરમાં ચક્કાજામ કરવાની ફરજ પડશે તેવી ચિમકી જિઞ્નેશ મેવાણીએ ઉચ્ચારતા સનસનાટી મચી જવા પામી છે.