#PATAN_DOUBLE_MURDER : સગાભાઈ અને ભત્રીજીની ઠંડા કલેજે હત્યા નિપજાવનારી બહેનને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારતી કોર્ટ…

આરોપીના વકિલ દ્વારા હાઈકોર્ટ માં અરજી દાખલ કરશે..

વર્ષ 2019માં પાટણ જિલ્લામાં ડેન્ટિસ્ટ બહેને પોતાના જ સગા ભાઈ અને માસૂમ ભત્રીજીની કરેલી હત્યા મામલે કોર્ટે આરોપી બહેનને સોમવારના રોજ જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે. પરિવારમાં માનમોભો ન જળવાતો હોઈ, આરોપી બહેને તેના સગા ભાઈને ધતૂરાનું પાણી આપી માનસિક અસ્થિર કર્યો હતો અને બાદમાં કેપ્સ્યૂલમાં સાઇનાઇડ આપી ઠંડા કલેજે હત્યા નીપજાવી હતી. ભાઈની હત્યા કર્યાના પંદર દિવસ બાદ 14 માસની માસૂમ ભત્રીજીને પણ સાઇનાઈડ આપી હત્યા નીપજાવી હતી. પાટણની એડિશનલ કોર્ટએ આરોપી કિન્નરીને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે. કોર્ટના ચુકાદાને મૃતકનાં પરિવારજનોએ યોગ્ય ઠેરવ્યો છે. જોકે કિન્નરીના વકીલ હાઇકોર્ટમાં અરજી દાખલ કરશે તેવું જાણવા મળ્યું છે.
આ અંગે સરકારી વકીલ બી.એમ. પડ્યાએ જણાવ્યું હતું કે ભાઇ અને ભત્રીજીની હત્યા કરનાર બહેનને પાટણની એડિશનલ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આ ચુકાદામાં આરોપીને આજીવન કેદની સજા પણ એવી કે તે જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેશે.