#PATAN_CITY : માલધારી સમાજે ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ કરી કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઇ આવેદનપત્ર આપ્યું

ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારી સમાજે ‘ગાય બચાવો’ ‘દેશ બચાવો’ ના સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી..

કાયદાના વિરોધમાં પાટણ ના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પણ માલધારી સમાજને પોતાનું સમર્થન આપ્યું..

ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ કાયદો મંજૂર કરવામાં આવ્યો છે. જેનો માલધારી સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાટણમાં પણ સોમવાર ના રોજ માલધારી સમાજ દ્વારા આ કાયદાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
પાટણના સિંધવાઇ માતાના મંદિર સંકુલ ખાતે ભરવાડ, દેસાઈ સમાજ સહિત વિવિધ સંગઠનના આગેવાનોએ આ વિરોધને સમર્થન આપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.


શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ કાયદો મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા તેનો સખ્ત વિરોધ નોંધાવી આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પાટણ માલધારી સમાજ દ્વારા ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં ‘ગાય બચાવો’ ‘દેશ બચાવો’ જેવા સૂત્રોચ્ચાર પોકારી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જયાં ઢોર નિયંત્રણ કાયદાનો માલધારી સમાજે સખ્ત વિરોધ નોંધાવ્યો હતો.


માલધારી સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, ભારતના કોઈપણ રાજ્યમાં આવો કાયદો નથી તો ગુજરાતમાં જ કેમ ? પશુઓ માટે વાડા આપવા જોઇએ. ગૌચરના દબાણો દુર કરી પશુઓ માટે ઘાસ અને ચરવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી છે.


આ કાયદાના વિરોધમાં પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે માલધારી સમાજને સમર્થન આપી જણાવ્યું હતું કે, આ કાયદામાં લાયસન્સ લેવાને કારણે માલધારીઓને દંડ ભરવા તૈયાર રહેવું પડશે. તો આ કાયદાથી બંધારણની કલમનું પણ ઉલ્લંઘન થાય છે. દારૂ વેચવો હોય ગુજરાતમાં કે પાટણમાં તો કોઈ લાયસન્સની જરૂરી નથી અને ગાય, ભેંસ રાખવા માટે લાયસન્સ જરૂરી હોય એવું ના હોવું જોઈએ તેવો કટાક્ષ સરકાર સમક્ષ ક્યો હતો.