#PATAN_CITY : યુવરાજસિંહ જાડેજાને જેલ મૂક્ત કરવા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના 500 થી વધુ વિદ્યાર્થીઓની માંગ

વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સુત્રોચ્ચાર કર્યા..

રાજ્યભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થયાના આક્ષેપો કરનાર વિધાર્થીઓના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. જેને લઇ પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજયભરના યુવાન વિધાર્થીઓમાં યુવા નેતા યુવરાજસિંહ જાડેજાને જેલ મૂક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


ગુરૂવારના રોજ પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના આશરે 500થી વધુ વિદ્યાર્થીઓએ પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી યુવા નેતા યુવરાજસિંહને તાત્કાલિક જેલ મૂક્ત કરવામાં આવે તેવી માગ કરી છે અને જો સરકાર દ્વારા યુવા નેતાને જેલ મુકત કરવામાં નહીં આવે તો નવનિર્માણ આંદોલન માટે સરકારે તૈયાર રહેવું પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી સુત્રોચ્ચાર કર્યા હતા.


તાજેતરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિના અનેક કિસ્સાઓ બાદ વિધાર્થીઓની સમસ્યાઓ અને તેમના પ્રશ્નોને વાચા આપનાર તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે અનેક આક્ષેપો કરનાર યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હેડકવાર્ટસમાં યુવરાજસિંહે પોલીસ સાથે ઘર્ષણ કરી પોલીસ જવાનો ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાના આરોપ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે.


યુવા નેતા યુવરાજસિંહને તાત્કાલિક જેલ મૂક્ત કરવામાં આવે તેવી માંગ સાથે આજે પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે 500 થી વધુ વિધાર્થીઓએ જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.