#PATAN_POLICE : સાંતલપુર તાલુકાના એવાલ ફાયરીંગ બટની આસપાસના 500 યાર્ડ સુધીના અંતરમાં પ્રવેશ પર પ્રતિબંધ વધુ 12 દિવસ લંબાવાયો…

પોલીસકર્મીઓની ફાયરીંગ પ્રેક્ટીસ દરમ્યાન કોઈ અકસ્માત ન સર્જાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું..

સાંતલપુર તાલુકાના એવાલ બટ ફાયરિંગ વિસ્તારમાં જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ફાયરીંગ પ્રેકટીસ શરૂ કરવામાં આવી છે. જે દરમ્યાન કોઈ અકસ્માત ન સર્જાય તે માટે આ વિસ્તારમાં માણસ કે પાલતુ પશુ પ્રવેશ ન કરે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 37 મુજબ મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદીપસિંહ રાઠોડ દ્વારા સાંતલપુર તાલુકાના એવાલ ફાયરીંગ બટની ફરતે 500 યાર્ડ સુધીના અંતરમાં તા.22/03/2022થી તા.15/04/2022 સુધીના સમયગાળા માટે કોઈપણ માણસ અને પાલતુ જાનવરો વગેરેના પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી હતી. જેનો સમયગાળો વધારીને આગામી તા.26/04/2022 સુધી પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.
સાથે સાથે પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા આ વિસ્તારમાં સહેલાઈથી દેખાઈ આવે તેવા સ્થળોએ તેની નકલો ચોંટાડીને સદરહું વિસ્તારમાં લાઉડ સ્પીકર વાન મારફતે તેની જાહેરાત કરવા તથા જે વિસ્તારમાં ફાયરીંગ કરવામાં આવનાર છે તે વિસ્તારની પરતે 500 યાર્ડની હદ નક્કી કરી જાહેર જનતાની જાણ માટે સહેલાઈથી દેખાઈ આવે તે રીતે પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશવાની મનાઈ માટેના બોર્ડ મૂકવા પણ આદેશ આપવામાં આવ્યો છે.
વી.આઈ.પી. પોલીસ બંદોબસ્ત તેમજ વહિવટી કારણોસર મુલતવી રહેલ ફાયરીંગ પ્રેક્ટીસ માટે પોલીસ અધિક્ષકશ્રી દ્વારા ફાયરીંગ બટમાં માણસ કે પાલતુ જાનવર પ્રવેશ ન કરે અને કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી સાવચેતીના ભાગરૂપે જાહેરનામું પ્રસિદ્ધ કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટને કરવામાં આવેલી દરખાસ્તના પગલે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સને 1951ના ભારતીય ફોજદારી અધિનિયમ-1860ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.