#SIDDHPUR : સિદ્ધપુર ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રીજનું લોકાર્પણ કરાયું..

ફાટકમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આગામી સમયમાં રાજ્યભરમાં 200થી વધુ ઓવરબ્રીજનું કરાશે નિર્માણ :મંત્રી પૂર્ણેશ મોદી…

રૂ.44 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રીજથી લાલપુર, બીલીયા અને કહોડા સહિતના ગામો તથા સિદ્ધપુરના નાગરિકો ટ્રાફિકની સમસ્યાથી મુક્ત બનશે..

માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પાસે નવનિર્મિત રેલવે ઓવરબ્રીજનું શનિવારના રોજ લોકાર્પણ કર્યું હતું. રૂ.44.40 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રીજથી લાલપુર, બીલીયા અને કહોડા સહિતના ગામો તથા સિદ્ધપુર શહેરના નાગરિકોને વારંવાર બંધ થતા ફાટકના કારણે ઉભી થતી ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે.
આ પ્રસંગે માર્ગ અને મકાન મંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારનો માર્ગ અને મકાન વિભાગ ફાટક મુક્ત ગુજરાતની નેમ સાથે આગળ વધી રહ્યો છે

ત્યારે આ રેલવે ઓવરબ્રીજના કારણે સિદ્ધપુર શહેર અને આસપાસના ગામોના લાખો લોકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે. મુંબઈથી દિલ્હી સુધી માલવાહક ટ્રેનોના આવાગમનના કારણે વારંવાર બંધ થતા ફાટકથી નાગરિકોને મુશ્કેલી ન પડે અને સમયની સાથે ઈંધણની પણ બચત થાય તે માટે આ ઓવરબ્રીજ ઉપયોગી નિવડશે. અને ફાટકમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આવનારા સમયમાં સમગ્ર રાજ્યમાં 200થી વધુ ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવશે..


વધુમાં તેમણે જણાવ્યું કે, ભૂતકાળના સમયમાં કનેક્ટીવિટીના અભાવે ધંધા-રોજગારનો પણ વિકાસ થઈ શકતો નહોતો. આજે જિલ્લા, તાલુકા અને ગામે-ગામ રોડ કનેક્ટીવિટી તથા સુલભ ટ્રેન અને એર કનેક્ટીવિટીના કારણે ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો છે. સાથે જ ખેડૂતોને પણ સારી રોડ કનેક્ટીવિટી મળવાના કારણે ખેતપેદાશોના વેચાણ સહિતની સગવડો ઉપલબ્ધ બની છે. નવીન રસ્તાઓ બનાવવા ઉપરાંત વરસાદની પેટર્ન બદલાંતા ધોવાઈ ગયેલા રસ્તાઓના સમારકામ માટે સૌપ્રથમવાર નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી વોટ્સએપના માધ્યમથી ફરિયાદો મંગાવી ગણતરીના દિવસોમાં ખાડા પૂરવા ખાસ ઝુંબેશ ચલાવી નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવામાં સફળતા મેળવી હતી.


રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટીવિટીને સુદ્રઢ કરવાની નેમ સાથે માર્ગ અને મકાન મંત્રીએ ઉમેર્યું કે, આવનારા સમયમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદના કારણે વિખુટા પડી જતા હોય તેવા 295 જેટલા ગામોમાં કોઝ-વે વિયર, આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડામરનો રસ્તો ન હોય તેવા 414 ગામોમાં આઝાદી બાદ પ્રથમવાર પાકા રસ્તા બનાવવામાં આવશે. બાળકોને ભણવા માટે હોડી-તરાપાનો ઉપયોગ કરવો પડતો હોય તેવા 200 પોઈન્ટ પર સ્ટ્રક્ચર ઉભા કરાશે. વધુમાં, 18 નવી એરસ્ટ્રીપ થકી એર કનેક્ટીવિટી અને ભીલાડ ચેકપોસ્ટથી નારાયણ સરોવર સુધી 10 મીટરનો કોસ્ટલ હાઈવે પણ બનાવવા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીની આસપાસ તથા સાપુતારા અને દાહોદ સુધી બનનારા ફોરલેન રસ્તાથી વિદેશી સહેલાણીઓની વધતી સંખ્યાના કારણે પ્રવાસન ક્ષેત્રનો પણ વિકાસ થશે તેમ પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું.


પ્રાસંગીક ઉદબોધન કરતાં સાંસદ ભરતસિંહજી ડાભીએ જણાવ્યું કે, આ વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણી સ્વિકારી રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા નવા રેલવે ઓવરબ્રીજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં સિંગલ પટ્ટીના રોડના કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલી અને અકસ્માતના ભયને દૂર કરવા રાજ્ય સરકારે રસ્તાઓને સિક્સ લેન સુધી વિસ્તારી પ્રધાનમંત્રીની લોકકલ્યાણની નેમ સાથે કંડારેલા પ્રગતિપથ પર સલામતી સાથે વિકાસની વિભાવના સાર્થક કરી છે.
આ પ્રસંગે જી.આઈ.ડી.સી.ના પૂર્વ ચેરમેન બલવંતસિંહ રાજપૂતે વારંવાર ફાટક બંધ થતાં સિદ્ધપુર વિસ્તારના લોકોને પડતી અગવડ, લોકમાંગણી અને રાજ્ય સરકાર દ્વારા ત્વરિત મંજૂરી સહિતની બાબતોનો ઉલ્લેખ કરી નવીન બ્રીજની ભેટ બદલ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.


હાલના એલ.સી. નં. 191 રેલવે રૂટ પર સિંગલ ટ્રેક પર માલવાહક ટ્રેન ઉપરાંત આવનારા સમયમાં વધુ 02 માલવાહક અને 01 પેસેન્જર ટ્રેન ટ્રેકના કારણે ઉભા થનાર પરિવહન અવરોધને ધ્યાને લઈ લાલપુર, બીલીયા અને કહોડા સહિતના ગામોને રાજ્ય ધોરિમાર્ગ 41થી જોડતાં રૂ.44.40 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રીજથી આ વિસ્તારમાં પરિવહનની સુવિધા વધુ સુગમ, સલામત અને સરળ બનશે.


આ પ્રસંગે પ્રદેશ સંગઠનના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ સુશ્રી કૃપાબેન આચાર્ય, તાલુકા અને શહેર સંગઠનના હોદ્દોદારો-પદાધિકારીઓ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના રાષ્ટ્રીય ધોરિમાર્ગના મુખ્ય ઈજનેર એચ.સી. મોદી, રાષ્ટ્રીય ધોરિમાર્ગ ગાંધીનગર વર્તુળના અધિક્ષક ઈજનેર આર.એન. માથુર, માર્ગ અને મકાન વિભાગ પાટણના કાર્યપાલક ઈજનેર ડી.એલ. રાઠોડ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલ સહિતના અધિકારીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.