પંચાસર દેરાસરથી જૈન સાધુ-સાધ્વીની નિશ્રામાં શોભાયાત્રા નિકળી…
પાટણમાં આવેલા વિવિધ જૈન દેરાસરોમાં ધર્મમય માહોલમાં મહાવીર જયંતિ ઉજવાઈ..

જૈન સંપ્રદાયનાં ૨૪ માં તીર્થંકર મહાવીર ભગવાનનાં જન્મ કલ્યાણનાં પાવન દિવસે જૈન જૈનેતરો દ્વારા પાટણ નગરમાં આવેલા વિવિધ જૈન દેરાસરોમાં ભગવાનનાં જન્મ કલ્યાણની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
ચૈત્ર સુદ તેરસ ભગવાન મહાવીરનાં ૨૪૨૦ માં જન્મ કલ્યાણનાં પાવન દિવસે શહેરનાં પીંપળાગેટ વિસ્તારમાં આવેલ પ્રાચીન પંચાસર દેરાસર ખાતે પાર્શ્વનાથ પ્રભુને ચાંદીના વરખની સુશોભીત આંગી કરવામાં આવી હતી. જયાં જૈન–જૈનેતરોએ પૂજા અર્ચના સહિત અભિષેક પૂજાવિધી કરી ભગવાન મહાવીર સ્વામીના આર્શીવાદ મેળવ્યા હતા.

આ પ્રસંગે પંચાસર દેરાસર ખાતેથી જૈન સાધુ સાધ્વીજી મહારાજોની નિશ્રામાં ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રા યોજાઈ હતી.જે શહેરના વિવિધ માર્ગો પર ફરી દેરાસર ખાતે સમાપન કરવામાં આવી હતી જયાં મુની ભગવંતો દ્વારા ભગવાનના જન્મ કલ્યાણનું વ્યાખ્યાન યોજાયુ હતું .જેના શ્રવણનો જૈનોએ લાભ લીધો હતો.
આ ઉપરાંત ભગવાનના જન્મ કલ્યાણને લઈ શહેરના ઢંઢેરવાડા ખાતે આવેલા જૈન દેરાસરમાં પ્રભુ શ્રીમહાવીરની મૂર્તિને બ્રાસા તેમજ બાદલાની આંગીના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જૈનોની તપોભૂમિ પાટણની પાવન ધરા પર ૨૪ માં તીર્થંકર મહાવીર પ્રભુના ૨૪૨૦ માં જન્મ કલ્યાણની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરાઈ હતી.
