#PATAN_CITY : પટ્ટણી રિક્ષાચાલકે અઢી લાખના દાગીના ભરેલો થેલો મૂળ માલિકને પરત સોંપી પ્રમાણિકતા દેખાડી..

રિક્ષા ચાલકે જરા પણ વિલંબ કર્યા વિના બીજી વર્ધી જતી કરીને તાબડતોબ મૂળ માલિકને થેલો પરત આપ્યો..

પાટણ તા.૧૭
આજના જમાનામાં પૈસા પાછળ માણસ દોડા દોડ કરતો રહ્યો છે અને પૈસાની ઘેલછા પાછળ માનવતા પણ નેવે મુકાતી હોવાનું જોવા મળતું રહે છે. પરંતુ હજુ પણ પ્રમાણિકતા, ઈમાનદારી અને માનવતા મરી પરવારી નથી તેને સાર્થક કરતા કિસ્સા સમાજમાં જોવા મળતા રહ્યા છે. આવો જ એક રિક્ષાચાલકની ઈમાનદારીનો કિસ્સો પાટણ શહેરમાં સવારે બન્યો હતો. માણસ ભલે ગરીબ કે સામાન્ય પરિવારમાંથી આવતો હોય કે સાવ સામાન્ય ધંધો કરતો હોય પરંતુ તેની ઈમાનદારી હંમેશા પ્રેરણારૂપ બનતી હોય છે.
પાટણના મોતીશા દરવાજા ખાતેના રહીશ અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા એક સામાન્ય વ્યક્તિએ તેની રિક્ષામાં પડેલા સોનાના દાગીના, રોકડ રકમ સાથેનો થેલો જોઈને સહેજ પણ વિચલિત થયા વિના તેના મૂળ માલિકને પરત કરીને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
પાટણ શહેરના મોટીસરાના વતની અને હાંસાપુર કૃષ્ણપાર્ક સોસાયટીમાં રહેતા આઇટીઆઇના નિવૃત્ત આચાર્ય મહેન્દ્રભાઈ એમ. સોલંકી તેમના પત્ની સવિતાબેન અને પુત્ર નીરવ સાથે વહેલી સવારે ડેમુ ટ્રેનમાં બેસીને અમદાવાદ ચાંદખેડા જવા નીકળ્યા હતા.
હાસાંપુર ત્રણ રસ્તા ખાતેથી સવારે રિક્ષા નહીં મળતા તેઓ ચાલતા નવા બસ સ્ટેશન આવ્યા હતા અને ત્યાંથી રિક્ષામાં બેસીને રેલ્વે સ્ટેશન આવ્યા હતા. મહેન્દ્રભાઈ તેમની કપડાંની એક બેગ તેમજ અન્ય એક થેલામાં અંદાજે અઢી લાખની કિંમતના સોનાના દાગીના જેમાં બે મંગળસૂત્ર એક દોરો બે વીંટી તેમજ એક મોબાઇલ અને આશરે અઢી હજાર રૂપિયા રોકડા હતા તે રિક્ષામાં જ ભૂલીને ઉતરી જઇ રિક્ષા ચાલકને ભાડું ચૂકવીને સીધા રેલવે સ્ટેશનમાં ગાડીમાં બેસવા ગયા હતા અને તેમનો પુત્ર નીરવ ટિકિટ બારી પર પહોંચ્યો હતો. જ્યારે રિક્ષાચાલક ભાડુ લઈને તેને અન્ય એક વર્ધિમાં જવાનું હોય ત્યાંથી નીકળી ગયો હતો.
મહેન્દ્રભાઈ અને સવિતાબેન ટ્રેનમાં બેઠા બાદ તેમનો સામાન ચેક કરતા દાગીના અને રોકડ તેમજ મોબાઈલ જેમાં હતા તે થેલો રિક્ષામાં જ ભૂલી ગયા હોવાનું જણાતા તેઓ બેબાકળા બની ગયા હતા અને રિક્ષાવાળાને ક્યાં શોધવો તેની ચિંતામાં ગભરાઈ ગયા હતા.
આ દરમિયાન ટ્રેન ઉપડવાનો સમય થઇ જતા તેઓ બંને ટ્રેનમાંથી નીચે ઉતરીને રેલવે સ્ટેશનથી બહાર આવ્યા હતા અને ત્યાં આવીને જોતા રિક્ષા નજરે પડી ન હતી જેથી તેમના પુત્ર નીરવને જાણ કરી હતી અને રિક્ષાવાળાને શોધવા તેઓ બીજી રિક્ષામાં બેસીને નવા બસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યારે આ તરફ તેમનો પુત્ર પોલીસને જાણ કરવા માટે રેલવે સ્ટેશન ખાતે રોકાયો હતો.
મહેન્દ્રભાઈના નસીબ સારા હશે કે તેઓ નવા બસ સ્ટેશને રિક્ષાવાળાને શોધી રહ્યા હતા તો બીજી તરફ પ્રામાણિક રિક્ષાચાલક વિનોદ પટણી બીજી વર્ધી માટે ગયો હતો ત્યાં પેસેન્જર રિક્ષામાં બેસતા જ પેસેન્જરની નજર રિક્ષામાં પડેલ થેલા પર પડતાં તેનું ધ્યાન દોર્યું હતું જેથી તેને ખ્યાલ આવી ગયો હતો કે આ થેલો સવારે રિક્ષામાં રેલવે સ્ટેશને ઉતરેલા પેસેન્જરનો જ છે. જેથી તેને જરાપણ વિલંબ કર્યા વિના વર્ધી જતી કરીને તાબડતોબ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યો હતો અને પેસેન્જરની રાહ જોઈને બહાર ઉભો રહ્યો હતો.
આ દરમિયાન થેલાના માલિક નવા બસ સ્ટેશનમાં રિક્ષાચાલકને શોધતા હતા. જોકે, રિક્ષાચાલક વિનોદ પટણીની નજર મહેન્દ્રભાઈ સોલંકીના પુત્ર નીરવ પર જતા તેમને બોલાવીને પૂછ્યું કે આ થેલો તમારો છે? જેથી તેણે તરત જ કહ્યું કે હા, અમે સવારે તમારી રિક્ષામાં થેલો ભૂલી ગયા છીએ અને શોધીએ છીએ. નીરવએ તરત જ તેના મમ્મી પપ્પાને ફોન કરીને રેલવે સ્ટેશન પાછા બોલાવી દીધા હતા અને તેમણે આવીને જોયું તો તેમનો થેલો સહી સલામત હતો.
થેલો મુળમાલિકને પરત સોંપીને રિક્ષાચાલક આવજો કહીને નીકળ્યો હતો, પરંતુ અઢી લાખના દાગીના, મોબાઈલ અને રોકડ રકમ ભરેલો થેલો પરત આપનાર પ્રામાણિક રિક્ષાચાલક વિનોદ પટણીને તેમણે રોકડ બક્ષિસ આપી હતી, પરંતુ તેણે એકપણ રૂપિયો લેવાની ધરાર ના પાડી હતી અને મને ભાડાના પૈસા મળ્યા છે એટલા પુરતા છે એમ જણાવી તેણે એકપણ પૈસો લેવાનો ઈનકાર કરી દીધો હતો.
વિનોદ પટ્ટણીની આટલી મોટી મહાનતા, પ્રામાણિકતા અને માનવતા જોઈને મહેન્દ્રભાઈ અને સવિતાબેન ભાવવિભોર બની ગયા હતા અને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક સામાન્ય રિક્ષાચાલકની પ્રામાણિકતા જોઈને લોકો વિચારતા થઈ ગયા હતા અને તેની ઇમાનદારીને બિરદાવી હતી.