#PATAN : ધોરણ ૧ થી ૮ ને સળંગ એકમ ગણી ધોરણ ૧ થી ૫ માં કામ કરતા વ્યાયામ શિક્ષકોને ફરજ સોપવા રજૂઆત..

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શિક્ષણ સચિવને પત્ર લખી રજૂઆત કરવામાં આવી..

ધોરણ ૧ થી ૮ ને સળંગ એકમ ગણી હાલમાં ધોરણ ૧ થી ૫ માં કામ કરતા અને વ્યાયામની લાયકાત ધરાવતા શિક્ષકોને વ્યાયામ વિષયના શિક્ષક તરીકે ધોરણ ૧ થી ૮ માં અલગથી વ્યાયામ શિક્ષક તરીકે સમાવેશ કરવાની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા શિક્ષણ સચિવ ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સંધ દ્વારા શિક્ષણ સચિવ ને લખાયેલા પત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ ગાંધીનગર માં તારીખ:-૧૮/૦૪/૨૦૨૨ ના રોજ વડાપ્રધાને કમાન્ડ એન્ડ કંટ્રોલ ની મુલાકાત દરમિયાન તેમના વક્તવ્યમાં જણાવ્યા મુજબ શાળાઓમાં રમતગમત અને વ્યાયામ વિષય ફરજિયાત હોવાનું જણાવેલ છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલ કર્મચારી વર્ગ પણ હાજર હતા.


વડાપ્રધાને તેમના વક્તવ્યમાં જણાવ્યું કે પ્રાથમિક વિભાગથી લઈ ઉચ્ચ પ્રાથમિક સુધી વ્યાયામ વિષય નવી શિક્ષણ નીતિ મુજબ ફરજિયાત કરવામાં આવેલ છે. તો પ્રાથમિક શાળાઓથી લઈ ઉચ્ચ પ્રાથમિક સુધી વિદ્યાર્થીઓને રમતગમત પ્રત્યે ખેલદિલી વધે અને રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી શકે.
છેલ્લા ૩ વર્ષ માં ધોરણ ૬, ૭, ૮ માં ક્રમશ સર્વાંગી વિકાસ નામનું પુસ્તક શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં આપવામાં આવેલ છે, પરંતુ એના વિષય શિક્ષક નહિ હોવાના કારણે આ પુસ્તક નું શિક્ષણ મેળવવામાં બાળકો ને ભારે મુશ્કેલી પડે છે.ત્યારે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા માંગ કરવામાં આવે છે કે ધોરણ:- ૧ થી ૫ માં વ્યાયામની લાયકાત ધરાવતા જેવાકે સી.પી.એડ, બી.પી.એડ, ડી.પી.એડ શિક્ષકો કામ કરી રહ્યા છે. જેઓને ધોરણ ૧ થી ૮ નું સળંગ એકમ ગણી ધોરણ ૧ થી ૮ માં તેમનો વ્યાયામ શિક્ષક તરીકે સમાવેશ કરવામાં આવે અને આમ કરતાં ઘટ ઊભી થાય ત્યાં લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવામાં આવે. અને હાલમાં ધોરણ ૧ થી ૫ માં કામ કરતાં અને વ્યાયામની લાયકાત ધરાવતા શિક્ષકોને તાત્કાલિક અસર થી ધોરણ ૧ થી ૮ માં સળંગ એકમ ગણી વ્યાયામ શિક્ષક તરીકે સમાવેશ કરવા માટે યોગ્ય ઘટતું કરવા પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.