#PATAN : પારેવા સર્કલ નજીક બે આખલા વચ્ચે શીંગડા યુદ્ધ જામ્યું : લોકોમાં અફરાતફરી મચી..

જાહેર માર્ગોપર આખલાઓ ના યુદ્ધ ના કારણે અવારનવાર રાહદારીઓ તેમજ વાહન ચાલકો ઇજાગ્રસ્ત બનવાનાં કિસ્સાઓ છતાં પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં…

પાટણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બની રહ્યો છે ત્યારે રખડતા ઢોરો દ્વારા માર્ગ વચોવચ અવારનવાર જામતા દ્વંદ્વયુદ્ધ ના કારણે અનેક રાહદારીઓ સહિત વાહનચાલકો તેનો ભોગ બની ઇજાગ્રસ્ત બનવાની સાથે સાથે મોતના મુખમાં ધકેલાયેલા હોવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. છતાં નગરપાલિકા નઘરોળ વહીવટ તંત્ર દ્વારા રખડતા ઢોરોને ડબે કરવાની કોઈ કાર્યવાહી હાથ નહીં ધરાતા પાલિકાના સત્તાધીશો સામે શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે.


ગતરાત્રીના સુમારે શહેરના પારેવા સર્કલ નજીક બે રખડતા આખલા વચ્ચે શીંગડા યુદ્ધ જામતા વિસ્તારના રહીશો સહિત માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે કેટલાક નવ યુવાનો દ્વારા ધોકા, લાકડી અને પાણીના મારો ચલાવી બંને આખલાઓને છુટા પાડી ભગાડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
શહેરના વિવિધ વિસ્તારોમાં અને જાહેર માર્ગોપર વારંવાર જામતા આખલા યુદ્ધ ના કારણે નિર્દોષ લોકો તેનો ભોગ બની રહેતા હોય છે. ત્યારે રખડતા ઢોરોના ત્રાસ માંથી શહેરીજનોને મુક્ત કરવા પાલિકાના સત્તાધીશો કુંભકર્ણ નિદ્રામાંથી જાગી રખડતા ઢોરોને ડબબે કરવાની ઝુંબેશ તાત્કાલિક ધોરણે હાથ ધરે તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બનવા પામી છે.