#PATAN : ચાર ખેલાડીઓ કરાટે સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા…

જિલ્લા કક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધામાં પણ ૨૪ મેડલ મેળવ્યા :૧૭ ખેલાડી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

કોચ નરેશ પ્રજાપતિ દ્વારા ૪૫ બાળકો મેળવી રહ્યા છે કરાટે ની તાલીમ..

ભારત સરકાર સતત બાળકો અને યુવાનોને સશક્ત બનાવવા વિવિધ આયામો દ્વારા તેમને જોડે છે. જેના સારા પરિણામો દેશમાં જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ હવે ભારત રમત જગતમાં પણ નામના પ્રાપ્ત કરી રહ્યું છે. ત્યારે તાજેતરમાં ભારત સરકાર દ્વારા રાજસ્થાનના જયપુર ખાતે કરાટે યૂથગેમનું આયોજન થયું હતું જેમાં પાટણના ૪ વિધ્યાર્થીઓએ ગોલ્ડ, સિલ્વર, અને બ્રોન્ઝ મેડલ મેળવી પાટણનું નામ ગુંજતું કર્યું છે. તેટલુ જ નહીં પાટણ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં પણ ૧૩ ગોલ્ડ મેડલ, ૫ સિલ્વર મેડલ અને ૬ બ્રોન્ઝ મેડલ મેળવી ૨૪ પૈકી ૧૭ વિધ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાએ રમવા જશે.


આર્ટ ઓફ કરાટે ડૉ ફેડરેશન દ્વારા પાટણ શહેરના ટીબી ત્રણ રસ્તા પાસે આવેલી પાયોનિયર કિડ્સ સ્કૂલના ગ્રાઉન્ડમાં બે વર્ષથી નરેશભાઇ પ્રજાપતિ કે જેઓ શૉટઓ કાન આર્ટ ફેડરેશન ગુજરાત લેવલના સ્ટાઈલ ચીફ છે અને તેમણે કરાટેમાં ફોર્થ ડેન બ્લેક બેલ્ટ મેળવેલ છે તેમની સાથે ગૌતમભાઈ ચૌહાણ કે જેઓ આ ગેમમાં કોચ છે તેઓએ પાટણના ૪૫ ખેલાડીઓને તાલીમ આપી હતી. આ ખેલાડી ભાઈ બહેનો ૫ થી લઈ ૨૫ વર્ષ સુધીની વિવિધ શ્રેણીમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ખેલ મહાકુંભમાં ભાગ લઈ જિલ્લા કક્ષાએ ૨૪ મેડલ પ્રાપ્ત કરી પાટણને ગૌરવ અપાવ્યું છે. જે પૈકી ૧૭ ખેલાડી રાજ્ય કક્ષાએ રમશે.


આ ઉપરાંત દેશ લેવલની જયપુર ખાતે થયેલી સ્પર્ધામાં ચૌધરી પર્લ ગિરીશભાઈ એ ફાઇટ કરાટે માં ગોલ્ડ મેડલ અને કાતશ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો, આ ઉપરાંત સુવેરા આદિત્ય ભરતભાઈ એ ફાઇટ અને કાતશ બંને સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. ગામેતી વૈદિક શૈલેશભાઈ અને શ્રીમાળી ભવ્ય દીપકભાઈ એ આ રમતોમાં બ્રોન્ઝ મેડલ મેળવી પાટણનું ગૌરવ વધાર્યું છે.
હાલ પાટણમાં ૪૫ ખેલાડીઓ કરાટે તાલીમ મેળવી રહ્યા છે. ત્યારે સરહદી જિલ્લામાં વધતી કરાટેની લોકપ્રિયતા એ સરકારની રમત પ્રત્યેની નીતિની સારી નિશાની છે.