#PATAN_CITY : કાળકા મંદિર સામેની ધરતીઢંક પ્રાચીન વાવની ફરી સાફસફાઈ અને ખોદકામ શરૂ કરાયું, શિવમંદિર પણ ખુલ્લુ થયું

કલેક્ટરે આ બાબતે પાટણ નગરપાલિકાને આ વાવનાં ઉત્ખનન ખોદકામ માટેની સુચના આપી હતી અને છેલ્લા બે-ત્રણ દિવસથી અત્રે પાંચેક મજૂરોને કામે લગાડીને આ વાવનું ખોદકામ શરુ કરાયું છે.

વર્ષો પૂર્વે સ્થાનિક સુધરાઇ સભ્યની જહેમતથી વાવનો ઉધ્ધાર થયો પણ ઉપેક્ષાનો ભોગ બનતા ફરી દટાઈ ગઈ હતી હેરીટેજ વોક દરમિયાન કલેક્ટરે અવદશા જોઈને ખોદકામનાં આદેશ આપ્યા

પાટણ શહેરનાં રાણીની વાવ રોડ ઉપર આવેલા કાળકા મંદિરની સામે વર્ષો જુની પ્રાચીન વાવ કે જે વર્ષોથી ધરતીઢંક હતી. આ વાવનું અત્યાર સુધીમાં બીજીવાર ઉત્ખનન હાથ ધરાયું છે. આ વાવની ફરી સાફસફાઈ અને ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. લગભગ 30 કરતા વધુ ફુટ ઉંડાઇ ધરાવતા કૂવા સહિતની આ પ્રાચીન વાવ લોકોની ઉપેક્ષા અને તંત્રની બેદરકારીનો શિકાર બની ચુકી હતી. ભૂતકાળમાં આ વાવમાં આ વિસ્તારનું વરસાદી પાણી ભરાતું હતું. પરંતુ કાળક્રમે આ વાવમાં દેખરેખનાં અભાવે માટીનો જમાવડો થતો ગયો હતો અને વાવ ધરતીમાં દટાઇ ચુકી હતી. અહીં મેદાન બની ગયું હતું.

10 વર્ષ પૂર્વે આ વિસ્તારનાં સુધરાઇ સભ્ય મનોજ કે. પટેલે આ વાવનાં ઉત્ખનન અને સુધારણા માટે બીડુ ઝડપતાં તેને જે તે વખતે પાટણનાં મામલતદારનાં આદેશથી તેનું ઉત્ખનન કરાવીને વાવને ખુલ્લી કરાવતાં તેમાંથી શિવમંદિર, તથા કૂવાનું થાળુ, પ્રાચીન સ્તંભ વગેરે જેવા સ્થાપત્યો મળ્યા હતા. એ પછી આ વાવનાં સંરક્ષણ માટે તેની ફરતે રેલીંગ ગ્રીલ નાંખવામાં આવી હતી. પરંતુ ફરી એકવાર આ વાવ તંત્ર અને લોકોની ઉપેક્ષાનો ભોગ બની હતી અને આ વાવ ધરતીમાં કાળક્રમે દટાઈ ગઇ હતી. પરંતુ તાજેતરમાં તા. 18 મી એપ્રિલે પાટણનાં ‘વારસા દિવસ’ નિમિત્તે યોજાયેલી હેરિટેજ વોક દરમિયાન પાટણનાં કલેક્ટરે જ્યારે સામેનાં કાળકા મંદિરની મુલાકાત લીધી હતી ત્યારે આ વિસ્તારનાં સુધરાઇ સભ્ય મનોજ કે. પટેલે કલેક્ટરને આ વાવની અવદશાથી વાકેફ કર્યા હતા.

કલેક્ટરે આ બાબતે પાટણ નગરપાલિકાને આ વાવનાં ઉત્ખનન ખોદકામ માટેની સુચના આપી હતી અને છેલ્લા બે-ત્રણ દિવસથી અત્રે પાંચેક મજૂરોને કામે લગાડીને આ વાવનું ખોદકામ શરુ કરાયું છે.

આ વાવનાં ધરતીઢંક થયેલા ત્રણેક પગથિયા પરથી માટી ઉલેચવામાં આવી છે. અહીં વાવનાં કૂવાનાં થાળની નીચેથી એક શિવમંદિર કે જે પ્રાચીન પથ્થરની નીચે બનેલું છે તે પણ ખુલ્લુ કરીને તેની સફાઇ કરવામાં આવી હતી. તો પ્રાચીન પથ્થરોમાં કલાત્મક મૃતિઓ પણ આ વાવના છે. આ વાવનો આ પ્રકારે જીર્ણોધ્ધાર કરાયો તે આ વિસ્તારની ઐતિહાસિકતા માટે પ્રસન્નતા પ્રેરક છે.

પાટણના રાજવી સિધ્ધરાજ જયસિંહ સંસ્થાપિત પાટણનાં નગરદેવી માતાના પ્રાચીન મંદિરની સામે આવેલા ઇ.સ.1123 માં બંધાયેલા અતિપ્રાચીન કુંડની સાફસફાઇ તથા રંગરોગાન કરીને હાલ સુશોભિત બનાવાઇ રહ્યો છે. આ કુંડની અંદર સામેનાં ભાગમાં એક કૂવો આવેલો છે. પ્રાચીન સમયમાં આ કુવામાંથી પાણીનાં સિંચાઇ વડે ઉપરનાં ભાગમાં કાલીકા માતાને ચઢાવવા માટે ફુલોનો બગીચો હતો તેને પાણી પહોંચાડવામાં આવતું હતું.

કુવાની ઉપરનાં ભાગમાં શ્રી ગણેશજીનું શિલ્પ હતું. જે વર્ષોથી ગાયબ છે. આ કુંડની ચારેય દિશામાં શિવાલય છે. જેમાં શિવલીંગની સ્થાપના થયેલી છે. આ કુંડની અંદર સ્નાન કરવા કે હાથ પગ ધોવા ઉતરવા માટે ત્રણેય દિશામાં પગથિયાં અને પગથાર પણ છે. મંદિરે આવતાં દર્શનાર્થીઓ ત્યાં હાથ પગ ધોઇને કે જરુરીયાત મુજબ સ્નાન કરીને મંદિરમાં પ્રવેશ કરતાં એમ અત્રેનાં પુજારી અશોક વ્યાસે જણાવ્યું હતું.