#EDUCATION : ગુજરાતની સૌ પ્રથમ સોલાર લેબ સાથેની વાઇફાઇ શાળા…….

સંપૂર્ણપણે વાઇફાઇની સુવિધાઓ સાથે સોલાર પેનલથી કોમ્પ્યુટર લેબમાં પ્રોજેક્ટર દ્વારા જૈનાબાદ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ ઓનલાઇન કેનેડા અને ફ્રાન્સથી શિક્ષણ મેળવે છે.

પાટડી તાલુકાની જૈનાબાદ હાઇસ્કૂલને સોલાર લેબ શાળા સાથે સંપૂર્ણ વાઇફાઇ સુવિધાથી સજ્જ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી તાલુકાની જૈનાબાદ હાઇસ્કૂલને સોલાર લેબ શાળા સાથે સંપૂર્ણ વાઇફાઇ સુવિધાથી સજ્જ કરવામાં આવી છે. ગુજરાતની સૌ પ્રથમ સોલાર લેબ સાથેની વાઇફાઇ શાળામાં જૈનાબાદ સહિત આજુબાજુના ગામના ૪૦૦ થી વધુ બાળકો ૩૬૫ દિવસ કેનેડા અને ફ્રાન્સથી ઓનલાઇન શિક્ષણ મેળવતા થયા છે. જેમાં આ હાઇસ્કૂલમાં વેકેશનમાં જૈનાબાદ સહિત આજુબાજુના ગામોની ગૃહિણીઓને પણ ઓનલાઇન ઇંગ્લિશ અને કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની શ્રીમતી ઝુબેદાબેગમ હાઇસ્કૂલમાં સોલાર પાવરેડ કોમ્પ્યુટર લેબની શરૂઆત કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO)ની આગેવાનીમાં ગ્રીન હોપ ફાઉન્ડેશન દ્વારા સંપૂર્ણપણે વાઇફાઇની સુવિધાઓ સાથે સોલાર પેનલથી હવે કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવી છે. એમાં કોમ્પ્યુટર અને પ્રોજેક્ટર દ્વારા જૈનાબાદ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ હવે ઓનલાઇન કેનેડા અને ફ્રાન્સથી ઇંગ્લિશની સાથે કોમ્પ્યુટરનું શિક્ષણ મેળવતા થયા છે. નોંધનીય છે કે ટ્રસ્ટના પ્રમુખ અને જૈનાબાદ રાજવી પરીવારના સબ્બીર મહંમદખાનજી મલિક, ઉપપ્રમુખ ધનરાજ મલિક અને શાળાના આચાર્ય ટી.જી.મલિકની હાજરીમાં આ સંપૂર્ણ વાઇફાઇ સાથેની સોલાર લેબશાળાને ખુલ્લી મુકવામાં આવી હતી. આ સોલાર લેબ શાળામાં ગ્રીન હોપ ફાઉન્ડેશન દ્વારા કોમ્પ્યુટર, પ્રોજેક્ટર, ડેસ્કટોપ અને પ્રિન્ટર સ્પોન્સર કરવામાં આવ્યા હતા. જેના થકી કોમ્પ્યુટર ક્લાસ અને ઓનલાઇન ઇંગ્લીશ ક્લાસની શરૂઆતથી જૈનાબાદ તથા આજુબાજુના ચિકાસર, રસુલાબાદ, રૂસ્તમગઢ, મુલાડા, એહમદગઢ અને દસાડાના મળી કુલ ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ વિદેશથી ઓનલાઇન શિક્ષણનું ભાથું મેળવતા થયા છે. હાલમાં દિવસેને દિવસે વીજળી તથા ફ્યુલ મોંઘુ થતું જાય છે અને તેનાથી શિક્ષણને અસર ન થાય અને સોલાર લેબશાળાથી મફત વીજળી પ્રાપ્ત થાય તથા પર્યાવરણનું પણ જતન થાય તેવો આ પ્રોજેક્ટનો હેતુ હતો. ઉપરાંત ગામડાના ગરીબ વિદ્યાર્થીઓ દુનિયાના શિક્ષણની સાથે કદમ મિલાવી શકે એ આશયથી આ પ્રોજેક્ટની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ થકી ગામડાના વિદ્યાર્થીઓની આંતરિક પ્રતિભાઓ બહાર આવશે. હવેથી વેકેશનમાં જૈનાબાદ સહિત આજુબાજુના ગામોની ગૃહિણીઓને પણ ઓનલાઇન ઇંગ્લિશ અને કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવશે. આથી ગુજરાતની આ સંપૂર્ણ વાઇફાઇની સુવિધા સાથેની આ સોલાર લેબશાળા આખું વર્ષ એટલે કે વર્ષના 365 દિવસ ધમધમતી રહેશે. જેમાં સંસ્થાના પ્રમુખ સબ્બીર મહંમદખાનજી મલિક (મોટા બાપુ) 81 વર્ષની જૈફ વયે પહેલેથી જ શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ અને ઓનલાઇન શિક્ષણ મળે એના પર ભાર મૂકી મદદ માટે હરહંમેશ તત્પર રહે છે.

આ અંગે જૈનાબાદ શાળાના આચાર્ય તારીકખાન મલિકે જણાવ્યું હતું કે અમારા ત્યાં સોલાર પેનલ દ્વારા એક કમ્પ્યુટર લેબની શરૂઆત કરવામાં આવી છે. એના સ્પોન્સર કેનેડાનું ગ્રીન હોપ ફાઉન્ડેશન છે. આ એનજીઓ સંયુક્ત રાષ્ટ્ર સંઘના અન્ડરમાં ચાલે છે. એમણે આપણને ફંડ આપ્યું જેના લીધે આ સોલાર લેબ શરૂ કરવામાં આવી છે. કુલ રૂ. 2 લાખ 50 હજારના ખર્ચે આ લેબ તૈયાર થઇ છે. જેમાં બે કોમ્પ્યુટર સેટ, એક પ્રોજેક્ટર, એક પ્રિન્ટર અને સોલાર પેનલનું બે બેટરી અને ઇન્વર્ટર સાથેનો સેટ છે જેને એક રૂમમાં સેટ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જ્યાં સુધી મારો ખ્યાલ છે ત્યાં સુધી આખા દેશમાં ફક્ત અમારી શાળાની જ પસંદગી કરવામાં આવી છે. આ એનજીઓ જુદા-જુદા દેશોમાં કામ કરે છે. એમના એક્સપર્ટ દ્વારા આપણા સમય અનુસાર કોમ્પ્યુટર અને ઇંગ્લિશનું ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે.