#PATAN : ભક્તિસભર માહોલ વચ્ચે ભગવાન શ્રી પરશુરામજી ના મંદિર પરિસરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે..

ગુજરાત ભરના વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન શ્રી પરશુરામજી ની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે..

ભગવાન શ્રી પરશુરામજીના મંદિર નિર્માણ બાદ સૌ પ્રથમવાર પાટણ શહેરમાં ભગવાન શ્રી પરશુરામજી ની ભવ્ય શોભાયાત્રા નીકળશે..

ભગવાન શ્રી પરશુરામજી ની શોભાયાત્રામાં ૧૦૧ કળશ ધારી બ્રહ્મ સમાજની કુવારીકાઓ સહિત શહેરની ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના ૨૫ ટેબ્લો જોડાશે..

શ્રી પરશુરામ ભગવાન મંદિર નાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને પરશુરામ ભગવાન ની શોભાયાત્રા ની પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને માહિતી પ્રદાન કરાઈ..

ઐતિહાસિક અને ધર્મની નગરી એવા પાટણ શહેરમાં ભગવાનશ્રી જગન્નાથજીના સાનિધ્યમાં બ્રહ્મર્ષિઓના ઇષ્ટદેવ અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામજી નુ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે.ત્યારે આગામી તારીખ ૨૭ એપ્રિલનાં રોજ ભગવાન શ્રી પરશુરામજીના મંદિર પરિસરનો ભક્તિ સભર કાર્યક્રમો વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગુજરાતભરના વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવનાર હોય આ પ્રતિષ્ઠા મહોત્સવ ની જાણકારી આપવા સોમવારના પવિત્ર દિવસે શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને શ્રી પરશુરામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શોભાયાત્રા સમિતિ દ્વારા પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો ની પ્રેસ કોન્ફરન્સ યોજી જાણકારી આપવામાં આવી હતી.


શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે શ્રી પરશુરામ ભગવાન ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનને લઈને બોલાવાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહિતી આપતા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય એ જણાવ્યું હતું કે પાટણ શહેરમાં સૌપ્રથમ વાર શ્રી જગદીશ મંદિર પરિસર ખાતે નિર્માણ પામેલ શ્રી પરશુરામજી ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગુજરાત ભર માંથી બ્રાહ્મણો ને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેઓના મંત્રોચ્ચાર વચ્ચે તારીખ ૨૭ ના રોજ ભગવાનની ભક્તિ સભર માહોલમાં સવારે ૯-૦૦ કલાક થી સાંજ ના ૫-૦૦ કલાક સુધીશાસ્ત્રોકત વિધિ વિધાન પૂર્વક હોમ હવન સહિતના ધાર્મિક ઉત્સવો સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે.

તો આગામી તારીખ ૩જી મે ના રોજ ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતી મહોત્સવની પણ ભવ્ય શોભાયાત્રા સવારે ૮-૦૦ કલાકે શ્રી જગદીશ ભગવાનના મંદિર પરિસર ખાતેથી નીકળી શહેરના હિંગળાચાચર, ચતુર્ભુજ બાગ, કૃષ્ણ સિનેમા, મેઇન બજાર,ધીવટા થઈ ને શ્રી જગન્નાથ ભગવાનના નિજ મંદિર પરિસર ખાતે સમ્પન્ન બનશે.
આ શોભાયાત્રામાં પાટણ શહેરની ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના ૨૫ જેટલા ટેબ્લો, ડીજે, બેન્ડવાજા પણ જોડાશે.તો ૧૦૧ બ્રહ્મ સમાજની કુંવારિકાઓ માથે કળશ લઈને શોભાયાત્રાની આગેવાની કરશે.


પાટણ શહેરમાં ભગવાન શ્રી પરશુરામજી ના મંદિર પરિસરની સ્થાપના બાદ સૌપ્રથમવાર નીકળનારી ભગવાન શ્રી પરશુરામજી ની આ શોભાયાત્રામાં પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના અને ગુજરાતભરના લોકો ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લેનાર હોય આ ત્રિવિધ ધાર્મિક પ્રસંગ ને સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર, શ્રી પરશુરામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ અને જન્મ જયંતિ મહોત્સવ સમિતિ સહિતના ધર્મપ્રેમી નગરજનો દ્વારા તન,મન અને ધનથી તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના સૌથી વડીલ ટ્રસ્ટી શ્રી પ્રવિણભાઈ બારોટે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું.


પાટણ ખાતે નિર્માણ પામેલા ભગવાન શ્રી પરશુરામજી ના મંદિર પરિસર ખાતે આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહિત તેઓના જન્મ જયંતિ મહોત્સવ ને લઈને માહિતી પ્રદાન કરવા બોલાવાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ સહિત શ્રી પરશુરામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ અને પરશુરામજી ભગવાન જન્મ જયંતિ મહોત્સવ સમિતિના આગેવાનો,કાયૅકરો સાથે પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.