#PATAN_HNGU : યુનિવર્સિટી ના નિયમ વિરૂદ્ધના નિર્ણય ઉપર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો..

ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલની ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલ અપીલ પગલે કોટૅ દ્વારા સ્ટે અપાયો..

સ્વાયત્તાના નામે યુનિવર્સિટીઓના બેફામ વહીવટ ઉપર લગામ લાગશે..

કારોબારીએ બનાવેલા ઓર્ડીનન્સ 171-172 એ યુનિવર્સિટી એક્ટની મૂળ જોગવાઈ વિરુદ્ધ હોય સ્ટે આપ્યો..

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી દ્વારા નિયમ વિરુદ્ધ યુનિવર્સિટીના કાયદામાં ફેરફાર કરવા અંગે પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જેમાં જસ્ટીસ ભાર્ગવ કારિયાએ યુનિવર્સિટીની કારોબારીએ બનાવેલા ઓર્ડીનન્સ 171-172 એ યુનિવર્સિટી એક્ટની મૂળ જોગવાઈ વિરુદ્ધ હોય સ્ટે આપ્યો છે. આ ઓર્ડીનન્સ 171-172 નવી શિક્ષણ નીતિની જોગવાઈની પણ વિરુદ્ધ છે. આ અગાઉ પણ ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલની સામે પોલીસ ફરિયાદ પણ હાઇકોર્ટે રદ કરી છે. અન્ય એક અપીલમાં તેમનું સેનેટ પદ પણ ખોટી રીતે સ્થગિત કરેલું હોય તે નિર્ણય પણ રદ કર્યો છે.
આ સમગ્ર બાબતની વિગત એવી છે કે, યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીમાં સભ્ય બનવા અંગેના ગુજરાત વિધાનસભામાં બનેલા કાયદામાં ફેરફાર કરી વર્ષ 2021માં કારોબારીએ નવા ઓર્ડીનન્સ 171-172 બનાવ્યા હતા. જેમાં ખાસ જોગવાઈ કરવામાં આવેલી કે જે લોકો એક્ટીવ નોકરી ન કરતા હોય તે યુનિવર્સિટીની અભ્યાસ સમિતિના સભ્ય બની શકે નહી. અગાઉ એવી જોગવાઈ હતી કે કોઈ સરકારી નોકરી ન કરતા હોય પરંતુ એ વિષયનું એમનું જ્ઞાન સારું હોય તો તેમને કોપ્ટ સભ્ય તરીકે અભ્યાસ સમિતિમાં લઇ શકાતા.
આ કારણે ઉદ્યોગમાં હોય કે સારા વૈજ્ઞાનિક હોય તેવા તજજ્ઞ લોકો સાયન્સ વગેરના અભ્યાસ ભણાવવામાં ઉપયોગી થતા હતા. આ કારણે ઉદ્યોગ જગતને જરૂર હોય તેવો અભ્યાસક્રમ યુનિવર્સિટી બનાવી શકતી અને તેથી વિદ્યાર્થીઓને રોજગારી મળતી હતી. કાયદા જેવા વિષયમાં અધ્યાપક ન હોય પણ જાણકાર વકીલ પણ અભ્યાસ સમિતિમાં યુનિવર્સિટીમાં આવી શકતા આ જોગવાઈ ઓર્ડીનન્સ 171-172થી રદ થઇ હતી. આવા શિક્ષણ વિરોધી નિયમ સામે પાટણ કોંગ્રેસ ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પાટણ યુનિવર્સિટીમાં રજૂઆત કરી હતી. આ સાથે સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ રજૂઆત કરી હતી. જે રજૂઆત બાબતે યોગ્ય નિર્ણય કરવાની જગ્યાએ યુનિવર્સિટીની કારોબારીએ આ રજૂઆત તથ્ય વગરની હોય તેમ કહી દફતરે કરતાં ધારાસભ્ય કિરીટ પટેલે નામદાર હાઇકોર્ટમાં ઓર્ડીનન્સ 171-172 રદ કરવા અપીલ કરી હતી.
જે અંગે યુનિવર્સિટી ખુબ લાંબા સમયથી જવાબ હાઇકોર્ટમાં દાખલ નહોતી કરતી. જેનાથી કોર્ટ નારાજ પણ થઇ હતી. આ કેસ માટે યુનિવર્સિટી સીનીયર વકીલ પણ રોક્યા હતા પરંતુ કોર્ટે ખુબ કડક વલણ સાથે હાલ આ ઓર્ડીનન્સ 171-172 ઉપર સ્ટે મૂકી બાકી નિર્ણય વેકેશન બાદ કરવાનો નિર્ણય કર્યો છે.
સત્ય અંતે બહાર આવતું જ હોય છે તેમ વિદ્યાર્થી અને શિક્ષણ વિરોધી યુનિવર્સિટીના નિર્ણય ઉપર હાઇકોર્ટનો સ્ટે આવનાર સમયમાં યુનિવર્સિટી ખાતે નવી શિક્ષણ નીતિના અમલમાં પણ સહયોગ કરશે. યુનિવર્સિટીની કારોબારી સત્તા બહારના નિર્ણય કરતી હોય છે તે ઉપર પણ લગામ આવશે.