ઈન્દોરની 52 વર્ષીય વ્યક્તિમાં કચ્છના 25 વર્ષીય મુસ્લિમ યુવકના હૃદયનું સફળ ટ્રાન્સપ્લાન્ટ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કચ્છના 25 વર્ષીય મુસ્લિમ યુવકને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ તેના હૃદયનું ઇન્દોરના 52 વર્ષીય બેંક કર્મચારી શૈલેન્દ્રસિંગ નામની વ્યક્તિમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું . રૂઢિચુસ્ત માન્યતાને કારણે મુસ્લિમ સમાજમાં અંગદાન ક૨વા તૈયાર થતા નથી , પરંતુ સિવિલની કાઉન્સેલિંગ ટીમના પ્રયાસથી યુવકના પરિવારનું હૃદય પરિવર્તન થતાં હૃદયસ્પર્શી નિર્ણય લઈ મુસ્લિમ પરિવાર દ્વારા અંગદાન કરાયું હોવાનો અમદાવાદમાં પ્રથમ અને રાજ્યનો અંગદાનનો બીજો કિસ્સો બન્યો છે . સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો . રાકેશ જોષીએ જણાવ્યું કે , બ્રેઇનડેડ મુસ્લિમ વ્યક્તિના અંગદાનનો સિવિલ અને અમદાવાદનો આ પ્રથમ કિસ્સો છે . કચ્છમાં ગલ્લો ચલાવતો મુસ્લિમ પરિવારનો 25 વર્ષીય યુવક 22 એપ્રિલે રોડ એક્સિડન્ટમાં ગંભીર ઇજાગ્રસ્ત થતાં 23 એપ્રિલે સિવિલ લવાયો હતો . તેને વેન્ટિલેટર પર રાખીને બચાવવાના પ્રયાસ કર્યા બાદ 25 એપ્રિલે બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો હતો . સામાન્ય રીતે મુસ્લિમ સમાજમાં રૂઢિચુસ્ત માન્યતાને લીધે અંગદાન કરાતું નથી , પરંતુ હોસ્પિટલની કાઉન્સેલિંગ ટીમે અંગદાન વિશે સમજાવવા યુવકના પિતાનું 2 કલાક સુધી કાઉન્સેલિંગ કર્યું હતું , જેને પગલે તેઓ પુત્રનાં અંગોનું દાન કરવા તૈયાર થયાં હતાં . તેમણે હૃદયની સાથે કિડની અને લીવરનું દાન કરવા પણ સંમતિ આપી હતી , પણ મેડિકલ કારણોસર લીવર અને કિડની લઈ શકાયાં નથી . સિમ્સના ડો . ધીરેન શાહે જણાવ્યું કે , શૈલેન્દ્રસિંગના હૃદયનું પમ્પિંગ 25 ટકાથી ઘટી 10 ટકા થઈ ગયું હતું . જોકે તેમનું સમયસર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ શક્યું હતું . આ પહેલાં ભાવનગરના આસિફ જુનેજા નામની મુસ્લિમ વ્યક્તિના હૃદયનું જામનગરના અરજનભાઈમાં સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું .