ચાણસ્મા – રૂપપુર માગૅ પર ઇકો ગાડીની ટક્કરે એક્ટિવા ચાલક વિદ્યાર્થીનીનું કરૂણ મોત..

કોલેજ માંથી પરીક્ષા આપી આવી રહેલી વિદ્યાર્થિનીને સામેથી આવી રહેલી ઇકો ગાડીએ ટક્કર મારી..

પાટણ તા.4
પાટણ જિલ્લાના ચાણસ્મા હાઇવે રોડ પર ચાણસ્મા રૂપપુર માર્ગ નજીક કોલેજમાંથી પરીક્ષા આપીને એકટીવા લઈને બહાર નિકળી રહેલ વિદ્યાર્થીનીને પૂરઝડપે આવી રહેલા ઈકો ગાડીના ચાલકે સામેથી ટક્કર મારતા વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.


આ બાબતે મળતી હકીકત મુજબ ચાણસ્મા રૂપપુર હાઇવે માર્ગ પર આવેલી કોલેજમાં બુધવારના રોજ એક્ટિવા લઇને પરીક્ષા આપવા આવેલી બીજલ પ્રજાપતિ ઉંમર વર્ષ 22 કે જેણી ટી એસ આર કોમર્સ એન્ડ આર્ટ્સ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ત્યારે પરીક્ષાનું આજે છેલ્લું પેપર હોય પોતાનું એકટીવા નંબર gj 24 -8081 લઈ ચાણસ્મા ખાતે પરીક્ષા આપવા નીકળી હતી. અને પરીક્ષાનું પેપર પૂર્ણ થતા પાટણ ખાતે પરત ફરી રહી હતી ત્યારે સામેથી માતેલા સાંઢ ની જેમ આવી રહેલી ઈકોગાડી નાં ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે જ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતા. તેમજ પરિવારજનોને જાણ થતા સમગ્ર પરીવારજનો ધટના સ્થળે દોડી આવ્યા હતા.


અકસ્માત નાં પગલે પરિવારજનો ઉપર જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો ધટના સ્થળે સર્જાયા હતા. ઘટનાની જાણ ચાણસ્મા પોલીસને થતાં લાશનું પંચનામું કરી પીએમ ખાતે ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ ચાણસ્મા પોલીસે હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.