#PATAN : ‘પાયલ જોશી’ આત્મહત્યા-દુષ્પ્રેરણ કેસમાં આરોપી સામેની ફરિયાદ હાઇકોર્ટે રદ કરી…

આરોપી ચક્ષુ મહેતાને તમામ કાર્યવાહીમાંથી પણ મુક્ત કરાયો..

પાટણ શહેરના ચકચારી ‘પાયલ જોશી’ આત્મહત્યા કેસ અને તેને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણ કરવાનો આરોપ ધરાવતા મૂળ હારીજનાં અને હાલ પાટણમાં રહેતા ચક્ષુકુમાર મહેતા સામે નોંધાયેલી એફઆઇઆર તથા તેની સામે ચાલતી તમામ કાનુની કાર્યવાહીઓ રદ કરવાનો કોર્ટે આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
હાઇકોર્ટ જસ્ટીસ ઇલેશ જે. વોરાએ આપેલા ચૂકાદામાં જણાવ્યું હતું કે, આ કેસનાં અરજદાર ચક્ષુકુમાર હસમુખભાઇ મહેતાએ આ અરજીનાં માધ્યમથી એફઆઇઆરને અને કાનુની કાર્યવાહી પણ રદ કરવા કોર્ટમાં રજૂઆત કરી હતી. પાટણ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તેમની સામે નોંધાયેલા આઇપીસી 306/ 506(2) અને આર્મ્સ એક્ટનો ગુનો આરઆઇઆર આપી રદ કરવામાં આવે છે. તેમજ અરજદારને તેમાંથી અલગ રાખવામાં આવે છે. પરિણામે ઉપરોક્ત આરઆઇઆરમાંથી ઉદભવતી અન્ય તમામ કાર્યવાહી પણ રદ કરવામાં આવે છે.
હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પક્ષકારોએ આ મુદ્દાને સોહાર્દપૂર્ણ રીતે ઉકેલી લીધો છે. અત્રે નોંધનીય છે કે, પાટણમાં રહેતી ‘પાયલબેન જોશી’ની બહેન ભાવિકાબેને 2020માં પાયલ જોશીએ કરેલી આત્મહત્યાના અનુસંધાને ચક્ષુકુમાર મહેતા ઉપર ફરીયાદ કરી હતી. જેની સામે ચક્ષુ મહેતાએ હાઇકોર્ટને આ ફરીયાદ રદ કરવાની અરજી કરી હતી જે હાઇકોર્ટે મંજૂર કરી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.