શંખેશ્વરના ખીજડીયારીમાં ભત્રીજાની જાન ઉપડવાના 2 કલાક પહેલાં જ દિવાલ ધરાશાયી થતાં દંપતી દીવાલ નીચે દટાયું : પતિનું મોત..

બીમાર ગાયની દેખરેખ રાખવા પતિ-પત્ની વાડામાં સૂતા ત્યારે પડોશીની દીવાલ તૂટી..

પાટણ તા.15
વઢિયાર પંથકના રણના કાંધે અડીને આવેલા ખીજડીયારી ગામે ભત્રીજા ની જાનને બે કલાક ની જ વાર હતી ને દિવાલ ધરાશાયી થતાં દંપતિ દટાયુ હતું જેમાં પતિનું મોત નિપજતાં લગ્નનો શુભ પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.
આ બાબતે મળતી હકીકત મુજબ શંખેશ્વર તાલુકાના ખીજડીયારી ગામે રહેતા લગ્ન પ્રસંગ હોય લોકો માં અનેરો આનંદ જોવા મળતો હતો ત્યારે વર નાં કાકા કાન્તિજી બાજુજી અને તેમના પત્ની ગૌરીબેન બીમાર ગાયની દેખરેખ રાખવા તબેલામાં સૂતા હતાં. ત્યારે વહેલી પરોઢે બાજુમાં આવેલા ખોડાજી વજુજીના પાકા મકાનની દીવાલ ધરાશાયી થતાં પતિ-પત્ની બંન્ને દટાયા હતા. જોકે સવારે વહેલા કાન્તિજી ના ભત્રીજાની જાન જવાની હોવાથી લોકો જાગતા હોઈ તરત બન્નેને લોકોએ બહાર કાઢી શંખેશ્વર સામુહિક
આરોગ્ય કેન્દ્રમાં લવાયા હતા.

જ્યાં હાજર ડોક્ટરે કાન્તિજીને મૃત જાહેર કર્યા હતા અને તેમના પત્નીને વધુ સારવાર અર્થે પાટણના ધારપુર રીફર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, સવારે પાંચ વાગ્યે મૃતકના ભત્રીજાની જાન જવાની હતી.ત્યાં આ ઘટના બનતાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ હતી.
આ અંગે શંખેશ્વર પોલીસે એ.ડી. દાખલ કરી આગળની તપાસ પી.એસ.આઈ. સોલંકી ચલાવી રહ્યાં છે.