#PATAN_CITY : અંબાજી નેળીયામાં નવો રોડ બનાવવા દબાણ કારો ને પોતાના દબાણો સ્વૈચ્છાએ દુર કરવા પાલિકા ની નોટિસ..

66 દબાણકારો 2 દિવસમાં પોતાની જાતે જ દબાણ દૂર નહીં કરે તો પાલિકા ને તોડવાની ફરજ પડશે.

પાટણ તા.17
પાટણ શહેરનાં ચાણસ્મા હાઇવે ઉપર આવેલા અંબાજી નેળીયામાં પાટણ નગરપાલિકા દ્વારા રૂ.1.61 કરોડનાં ખર્ચે મંજૂર કરેલો ટ્રિમિક્ષ સી.સી. રોડ બનાવવાની તૈયારી ટુંક સમયમાં હાથ ધરાશે. ત્યારે પાટણ પાલિકાએ આ રોડ બને તે પૂર્વે આ સમગ્ર રોડ ઉપર આવેલા રહેણાંક અને કોમર્શિયલ ગેરકાનૂની બાંધકામો કરનારાઓએ દુકાન કે ઘરનાં ઓટલા, પગથિયા, ઢાળ કે શેડ બનાવેલાં હોય તેને જે તે દબાણકારે રોડનાં બાંધકામમાં નડતરરૂપ થાય તેવા દબાણોને જાતે જ તોડી નાંખવા માટેની નોટિસો ફટકારી છે.
લગભગ 66 જેટલા દબાણકારોને નોટિસ ફટકારીને આ દબાણો જાતે દુર કરવા પાલિકા એ જણાવ્યું છે.
પાટણ પાલિકા ખાતે પ્રમુખ સ્મિતાબને પટેલ, ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, કારોબારી ચેરમેન અરવિંદભાઇ પટેલ, બાંધકામ ચેરમેન શાંતિબેન ગિરીશભાઇ પટેલ સહિતનાં પદાધિકારીઓએ આ દબાણ મામલે ચર્ચા મંત્રણા કરી હતી. આ અંગે પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું કે, પાટણનાં અંબાજી નેળીયામાં સારથીનગરથી અંબાજી મંદિર સુધીનો વોલ ટુ વોલ ટ્રિમીક્ષ રોડ રૂ.1.61 કરોડનાં ખર્ચે મંજૂર કરાયો છે. જે રોડ નું કામ ટૂંક સમયમાં હાથ ધરવાનું છે, પરંતુ એ પહેલાં આ હાલનાં જર્જરીત રોડ ઉપરનાં રોડ, પગથિયાં, ઢાળ, ઓટલા દૂર કરવા જરૂરી જણાય છે.
આ માટે નગરપાલિકાએ 66 જેટલા દબાણોનો સર્વે કરીને તેને તોડવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. દબાણ તૂટે એ પહેલાં દબાણકારો ને નોટિસો આપીને તેઓને જાતે અને પોતાના જોખમે બે દિવસમાં દબાણ દૂર કરવા જણાવી દેવાયું છે. જો તેઓ જાતે નહીં તોડે તો પાટણ પાલિકા જે તે દબાણકારનાં ખર્ચે અને જોખમે આ દબાણ દૂર કરશે તેવું પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું.