#HNGU : પાટણ યુનિવર્સિટી સંલગ્ન સાયન્સ કોલેજોમાં એમએસસીમાં 36 સીટો જ ભરવા કારોબારી નો નિર્ણય..

યુનિવર્સિટીની કારોબારી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય કરાયો

પાટણ તા.19
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી શૈક્ષણિક સત્રથી યુજીસીના ધારાધોરણો મુજબ સાયન્સની કોલેજોમાં અનુસ્નાતક લેવલે 36 સીટો ભરી શકાશે એવો નિર્ણય યુનિવર્સિટી કારોબારી દ્વારા કરવામાં આવ્યો છે.


પાટણ યુનિવર્સિટીની મળેલી કારોબારી સમિતિની બેઠકમાં લેવાયેલ મહત્વના એક નિર્ણય મુજબ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાયન્સની વિવિધ ગ્રાન્ટેબલ અને સેલ્ફ ફાઈનાન્સ અનુસ્નાતક કોલેજોમાં હવે યુજીસીના ધારાધોરણ મુજબ માત્ર 36 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે.


કુલપતિ ડો. જે.જે.વોરા એ જણાવ્યું હતું કે, તમામ બ્રાન્ચ વાઈઝ 36 સાયન્સની કોલેજોમાં પોસ્ટ સીટો જ ગ્રેજ્યુએટ ક્ષેત્રે વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત રાખવાની હોય છે, જેથી દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન રાખી શકાય. આ ઉપરાંત પ્રેકટીકલમાં પણ નિયમ મુજબ પ્રેક્ટીકલ કરાવીને તેની ગુણવત્તા જાળવી શકાય તે હેતુથી યુનિવર્સિટી દ્વારા સાયન્સમાં એમએસસીમા વિષય વાઇઝ 36 બેઠકો જ ભરી શકાશે. એવો નિર્ણય લેવામાં આવ્યો છે.


કુલપતિ ડો.વોરાએ જણાવ્યું હતું કે, ગઈ સાલ એમએસસી માં વધુ પ્રમાણમાં એડમિશન આપવામાં આવ્યા હતા પરંતુ હવે ગુણવત્તા સુધારણાના મુદ્દાને વધુ મહત્વ આપીને તમામ બ્રાન્ચ વાઈસ 36 સીટોજ ભરવાની રહેશે. એવો કારોબારીમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.


ઉલ્લેખનીય છે કે, અગાઉ એમએસસીમા 150 જેટલી બેઠકો પણ ભરવામાં આવતી હતી. કોલેજો દ્વારા વધારાની જગ્યા માગવામાં આવતી હતી. તે પ્રમાણે ઉદારતાથી આપવામાં આવતી હતી, પરંતુ હવે યુજીસીના ધારાધોરણને અનુસરીને સાયન્સની કોલેજોએ એમએસસીમાં 36 સીટો જ ભરવાની રહેશે. યુજીસીનો આ નિયમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણે લાગુ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.