પાટણ ખાતે વિવિધ સંગઠનો નાં સંયુક્ત ઉપક્રમે “સંવિધાન બચાવો” જન સભા યોજાઈ..

સ્વતંત્રતાની ચળવળ માં લોહીનું એક ટીપું પણ નહી વહેવડનારા લોકો આજે દેશ ભક્તિના કાર્યક્રમો યોજી રહ્યા છે : જિગ્નેશ મેવાણી..

જુઠ્ઠી અને દંભી સરકાર સચ્ચાઈ નો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે : ડો.કિરીટ પટેલ..

પાટણ તા.૨૪
અંગ્રેજોની ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારત દેશને અને ભારત દેશના લોકોને તેમજ તેના સંસાધનોને લુંટવા માટે ભારતમાં આવી હતી જો આજના સમયમાં ફરીથી અંગ્રેજોની ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારત અને ભારતના લોકોને તેમજ તેના સંસાધનોને લુટવા માટે ફરીથી ભારતમાં આવે અને ભારતને લૂંટવા માટે મેનેજર ની જરૂર છે એવી જાહેરાત કરે તો કહેવાતા રામ ભક્ત અને ભારતના વડાપ્રધાન સૌ પ્રથમ પોતાનુ નામ આગળ ધરી ભારતને અને ભારત વાસીઓને તેમજ ભારતના સંસાધનોને કઈ રીતે લૂંટી શકાય તે પોતે સારી રીતે જાણતા હોવાનું જણાવી પોતાને દેશને લૂંટવાનુ પૂરતું મેનેજમેન્ટ તેમના પાસે હોવાનું જણાવી શકે તેમ છે તેવો સણસણતો પ્રહાર વડનગરના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સોમવારની રાત્રે શહેરના સુભાષચોક ખાતે સર્વ સંગઠનો દ્વારા આયોજિત સંવિધાન બચાવો જાહેર સભામાં ઉપસ્થિત વિશાળ જનમેદની વચ્ચે ભારતના વડાપ્રધાન અને ભાજપ સહિત આરએસએસ ઉપર કર્યો હતો.

સુભાષ ચોક ખાતે સંવિધાન બચાવો જાહેર સભામાં ઉપસ્થિત રહેલ વિશાળ જનમેદનીને સંબોધિત કરતા વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ ભાજપ સરકાર અને આરએસએસ ઉપર આકરા પ્રહારો કરતા વધુમાં જણાવ્યું હતું કે જેને સ્વતંત્રતાની ચળવળમાં લોહીનું એક ટીંપુ વહેવડાવ્યુ નથી અને અંગ્રેજોની ચાપલુસી કરનારા આજે વિરાંજલી ના કાર્યક્રમો આયોજીત કરી પોતે દેશભક્ત હોવાના દાવા કરી રહી છે.

શુંઠ નાં ગાગડે ગાંધી ન થવાય તેમ શુંઠ ગાગડે સરદાર પણ ન બની શકાય તેમ જણાવી આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના લોકો પોતાનાં મનુવાદ ને લોક માનસ પર ઢોકી બેસાડવા બાબા સાહેબના સંવિધાન ને દુર કરવા મથામણ કરી રહ્યા છે ત્યારે આવા કહેવાતા દંભી રામ ભક્તો થી લોકો એ ચેતવું પડશે તેવી ટકોર કરી કોરોના કાળ દરમિયાન ની ધટનાઓ ને યાદ રાખવા અપીલ કરી ૨૨ પેપરો ફોડનાર કમલમ નાં દલાલો,અદાણી પોટૅ પરથી ઝડપાયેલા કરોડા નાં ડ્રગ્સ મામલે કોઇ કાયૅવાહી આ ભાજપ સરકાર કરતી નથી જ્યારે સાચી વાત કહેનારા મારા જેવા સામે ગુજરાત થી ૨૫૦૦ કિ.મી.દુર આસામમાં ખોટી બે બે ફરિયાદો કરી સચ્ચાઈ ને દબાવવાનો પ્રયાસ આ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ તેઓએ કયૉ હતાં.વધુ માં તેઓએ આગામી વિધાનસભાની ચૂંટણીમાં સહેવાગ સચિન ની જેમ પાટણ ધારાસભ્ય સાથે ધના ધન બેટીગ કરનાર હોવાનો હુંકાર કર્યો હતો.

આ સંવિધાન બચાવો જાહેર સભામાં ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે પણ ભાજપ સરકાર સામે સચ્ચાઈ થી લડી રહેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને સમથૅન આપવા અપીલ કરી આ જુઠ્ઠી અને ખોટું કરવા ટેવાયેલી ભાજપ સરકાર સામે તાતાતીર લગાવી સંવિધાન બચાવો ની કાંતિ કારી લડતને વેગવંતી બનાવવા આહવાન કર્યું હતું.

પાટણ શહેરના સુભાષ ચોક ખાતે આયોજિત સંવિધાન બચાવો જાહેર સભાને સફળ બનાવવા મનોજ પરમાર, પ્રવિણભાઇ રાઠોડ, હરગોવાનભાઈ મકવાણા, મહેશભાઈ ઝાલા, કમલેશભાઈ સોલંકી તેમજ સમસ્ત સમાજ અને પાટણ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, અનુસુચિત કલાકાર સંગઠન સહિતના કાયૅકરો અને વિવિધ સંગઠનો દ્વારા જહેમત ઉઠાવી હતી.