#PATAN_CITY : નગરપાલિકા નું ફાયર સ્ટેશન ખાનગી વાહનો ધોવા માટે નું સર્વિસ સ્ટેશન બન્યું..

પાલિકા કેમ્પસમાં કાર્યરત ફાયર સ્ટેશનની ખાનગી વાહન ધોવાની કામગીરીથી વોટર વર્કસ શાખાના ચેરમેન અને પાલિકા પ્રમુખ અજાણ..

પાલિકા પ્રમુખ ને આ મામલે અવગત કરાતા વિભાગના અધિકારીને કડક સૂચના આપી આવી પ્રવૃત્તિ બંધ કરવા કડક સુચના આપી..

એક તરફ ઉનાળાની બળબળતી ગરમીમાં શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી અનીયમીત અને અપૂરતું મળતું હોવાની બૂમરાણો નગરજનોમાં ઉઠવા પામી છે. ત્યારે બીજી તરફ નધણિયાતી બનેલી પાટણ નગરપાલિકાના સત્તાધીશોની નિષ્ક્રીયતાને લઈને નગરપાલિકા કેમ્પસમાં કાર્યરત ફાયર સ્ટેશન ખાનગી વાહનો માટે નું સર્વિસ સ્ટેશન બન્યું હોય તેમ ખુલ્લેઆમ ફાયર સ્ટેશન ના કર્મચારીઓ દ્વારા ખાનગી વાહનોને પુષ્કળ પ્રમાણમાં પાણીનો દુરુપયોગ કરીને સર્વિસ કરતા જોવા મળતા હોય છે. પાટણ ફાયર સ્ટેશન પર ખાનગી વાહનોની સર્વિસ મામલે વોટર વર્કસના ચેરમેન નો સંપર્ક કરતાં તેઓ આ બાબતે બિલકુલ અજાણ હોવાનું જણાવી આ મામલે તપાસ કરી પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરનુ ધ્યાન દોરી યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.


તો આ બાબતે પાલિકા પ્રમુખ સ્મિતા બેનનો ટેલિફોનિક સંપર્ક કરી હકીકત મેળવતા તેઓએ પણ આ મામલે અજાણ હોવાનું જણાવી વિભાગ નાં અધિકારી ને સુચના આપતા ફરજ પરના અધિકારી એ કમૅચારીઓ દ્વારા નગર પાલિકાના વાહનોની સાથે સાથે ભુલ થી પાકૅ કરેલ ખાનગી વાહન ની પણ સર્વિસ કરી દેવામાં આવી હોવાનું કબૂલ્યું હતું જેને લઇને હવે પછી આવી ભુલ થાય નહીં તેની તકેદારી રાખવા પાલિકા પ્રમુખ દ્વારા વિભાગના અધિકારીને કડક સુચના આપવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
પાટણ નગરપાલિકાના કેમ્પસમાં કાર્યરત ફાયર સ્ટેશનમાં દિવસ દરમિયાન કર્મચારીઓ દ્વારા ખાનગી વાહનોની સર્વિસ થતી હોય અને પાલિકાના સત્તાધીશો આ બાબતે અજાણ હોય તે કેટલે અંશે વ્યાજબી ગણી શકાય તે એક ચર્ચાનો વિષય શહેરીજનોમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.