#PATAN : જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો..

48 અરજદારો નાં પ્રશ્નો નાં નિરાકરણ માટે સુચનાઓ આપવામાં આવી.

પાટણ જિલ્લા સેવાસદન ના કોન્ફરન્સ હોલ ખાતે ગુરુવારે ઈન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ સોલંકીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વિવિધ તાલુકાના 48 જેટલા અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીએ મહેસુલ વિભાગ, પંચાયત વિભાગ, સિંચાઇ વિભાગ, ડી.આઈ.એલ.આર અને નગરપાલિકા સહિતના વિભાગને લગતા પ્રશ્નો અને ફરિયાદો અંગે અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા.


જેમાં પાટણ જિલ્લાના નાગરિકો દ્વારા જમીન માપણી, રી-સર્વેમાં ક્ષતિ સુધારણા, મફત ગાળાના પ્લોટ, અનઅધિકૃત બાંધકામ અને દબાણ દૂર કરવા, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવવા તથા પીવાના પાણી સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરજદારોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પલ્લવી બારૈયા સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.