કોરોના મહામારીમાં માતાપિતા ની છત્રછાયા ગુમવનાર પાટણ જિલ્લાના ત્રણ બાળકો ને પીએમ કેર્સ ચિલ્ડ્રન સ્કીમનો લાભ અપાયો..

જે બાળકોએ કોરોના મહામારીમાં પોતાના માતાપિતા ગુમાવ્યા છે તેમની સાથે દેશના નાગરિકોની સંવેદના છે…

પાટણ તા.૩૦
કોરોના મહામારીના કારણે દેશના અનેક બાળકોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. માતા પિતા વિનાના બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓ મુખ્ય પ્રવાહમાં પાછળ ન રહી જાય તે માટે વડાપ્રધાન મોદી સતત ચિંતિત અને કાર્યશીલ છે. દેશભરમાં સોમવારના રોજ પીએમ કેર્સ યોજનાની શરૂઆત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી. જે અંતર્ગત કોરોના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને શિક્ષણ આરોગ્ય તેમજ સર્વાંગી વિકાસ માટેની સુવિધાઓના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.


પાટણ જિલ્લામાં કોરોના મહામારી સમયે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર ત્રણ બાળકોને જિલ્લા કલેકટર ઓફિસના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પીએમ કેર્સ ના લાભ આપવામાં આવ્યા હતા. આ ત્રણ બાળકો પૈકી બે બાળકો રાધનપુર તાલુકાના છે. જ્યારે એક બાળક પાટણ શહેરમાં રહે છે. બાળકોના પાલક માતા-પિતા આજે વડાપ્રધાનના પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. પીએમ કર્સ અંતર્ગત આપવામાં આવેલી સહાય તેમના સ્વજનોએ સ્વીકારી હતી.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે બાળકો માટે કરવામાં આવતો ગમે તેટલો મોટો પ્રયાસ માતા-પિતાની ભરપાઈ ન કરી શકે તો પણ આ સંકટની ઘડીમાં “માં ભારતી ” તમારી સાથે છે. દરેક દેશવાસીઓએ PM CARES માં આપેલા ફંડ માટે વડાપ્રધાને તેમને યાદ કર્યા હતા. બાળકોના સ્વપન પુરા કરવા માટે દેશ તેમની સાથે છે. હું આશીર્વાદ આપું છું કે આપ ખૂબ આગળ વધો.
પીએમ કેર્સ અંતર્ગત બાળકોને 18 વર્ષે 10 લાખ રૂપિયાની સહાય મળશે. જેનું 23 વર્ષની વય સુધી વ્યાજ જે બાદ 10 લાખની રકમ સીધી એકાઉન્ટમાં જમા થશે કેન્દ્રની સ્પોન્સરશીપ યોજના અંતર્ગત દર માસે 2000 રૂપિયાની સહાય,મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત દર માસે 4000 રૂપિયાની સહાય,બાળકોના શિક્ષણની ફી તેમજ શૈક્ષણિક ખર્ચ પીએમ કેર્સ અંતર્ગત મળશે. ઉચ્ચ શિક્ષણ માટેની શૈક્ષણિક લોન ના વ્યાજની રકમ પીએમ કેર્સ ચૂકવશે. આરોગ્યલક્ષી સુવિધા માટે 5 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં લાભ મેળવી શકશે.


આ કાર્યક્રમને સંભોધતા પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે હું વડાપ્રધાનનો આભાર માનું છું. કે તેમને માતા-પિતા ગુમાવનાર બાળકો પ્રત્યે સંવેદના બતાવી. સરકાર કોરોનામાં માતાપિતા ગુમાવનારા બાળકોની પાલક માતાપિતા બની છે. સરકારની પીએમ કેર્સ યોજનાનો અંગે પાલક પિતા જીગ્નેશભાઇ સાલ્વીએ જણાવ્યું હતું કે ” આ કોરોના મહામારી સમયે મેં મારાં ભાઈ અને ભાભી ગુમાવ્યા છે. હું પાલક પિતા બનીને તેમના બાળકોની સંભાળ રાખું છું. આજે વડાપ્રધાને PM CARES દ્વારા અમને મોટો લાભ થયો છે. જેનો ફાયદો અમારા પરિવારને થશે.


આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, કલેકટર ડી. એમ. સોલંકી, જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના સભ્યો, બાળ કલ્યાણ સમિતિના સભ્યો, બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષાના કર્મચારીઓ તેમજ જિલ્લાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.