સંસ્કૃત એ તો સનાતન ભારતીય સંસ્કૃતિનું સરનામું છે : જિજ્ઞાબેન પટેલ..

ઉમા સ્કુલ ખાતે આયોજિત સંસ્કૃત ભારતી, ગુર્જર પ્રાંતના સંસ્કૃત પ્રબોધન વર્ગ સંપન્ન થયો.

સંસ્કૃત ભાષામાં યોજાયેલા સમારોહ કાર્યક્રમમાં શિબિરાર્થીઓ દ્વારા દિનચર્યા, ગીત, સંસ્કૃત નાટક, અનુભવ કથન વગેરેની પ્રસ્તુતિ કરવામાં આવી હતી…

પાટણ તા.૩૦
સંસ્કૃત અનુરાગી પ્રબુદ્ધ લોકોની ઉપસ્થિતિમાં ઉમા સ્કુલ ખાતે યોજાયેલા કાર્યક્રમ નાં સોમવારે સમાપન પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શિરીષ ભેડસગાંવકરે જણાવ્યું હતું કે સંસ્કૃત જ્ઞાનભાષા હોવાને કારણે આપણા બધા જ ધ્યેય વાક્યો સંસ્કૃતમાં જોવા મળે છે, વિશ્વને સંસ્કૃતનું મહત્વ સમજાયું છે માટે જ ભારત સિવાય અનેક દેશોમાં 250 જેટલી યુનિવર્સિટીઓમાં સંસ્કૃત શીખવવામાં આવે છે. ભારતમાં જ્યારે અધ્યયન અધ્યાપનની ભાષા સંસ્કૃત હતી ત્યારે નાલંદા વિદ્યાપીઠમાં 200 જેટલા વિષયો શીખવવામાં આવતા હતા જે આજે પણ વિશ્વની કોઈ યુનિવર્સિટીમાં આટલા વિષયો ઉપલબ્ધ નથી.


સંસ્કૃતભારતીની સંસ્કૃત ભાષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને નેબિરદાવતા ઉમા હાયર સેકન્ડરી સ્કુલના પ્રિન્સિપાલ જીજ્ઞાબેન પટેલે જણાવ્યું હતું કે સંસ્કૃત એ સનાતન ભારતીય સંસ્કૃતિનું સરનામું છે, સંસ્કૃત વગર ભારતીય સંસ્કૃતિની કલ્પના પણ ન થઈ શકે.
મુખ્ય અતિથિ વિસનગરના પ્રસિદ્ધ સર્જન ડો. અરુણસિંહ રાજપૂતે પોતાના વિચારો વ્યક્તમાં જણાવ્યું હતું કે આપણી ભારતીય સંસ્કૃતિના મૂળચિંતનમાં વિશ્વ કલ્યાણની ભાવના રહેલી છે.

તેથી જ તો આપણે સર્વે ભવન્તુ સુખિનઃ… એવી પ્રાર્થના કરીએ છીએ.

વિશ્વ કલ્યાણ માટે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે સંસ્કૃતનું પુનરુથ્થાન જરૂરી છે.
બાવીસી કડવા પટેલ સમાજના શિક્ષણ સમિતિ ચેરમેન શિક્ષણવિદ ડી. એમ. પટેલ, વિસનગર જિલ્લા મા. સંઘચાલક દિલીપભાઈ ચૌધરી અને સોમનાથ વિશ્વવિદ્યાલયના પ્રભારી કુલપતિ ડૉ. લલીતભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રબોધનવર્ગનું વૃત્ત પ્રાંત મંત્રી જીતેન્દ્ર બ્રહ્મભટ્ટે આપ્યું હતું. અતિથિઓનું સ્વાગત ગુર્જર પ્રાંત સંપર્ક પ્રમુખ પ્રિ. આશિષ દવેએ અને કાર્યક્રમનું સંચાલન કર્ણાવતી મહાનગર સંગઠન મંત્રી ધીરેન્દ્ર મિશ્રા જ્યારે આભાર દર્શન સંસ્કૃત ભારતી ના પ્રાંત અધ્યક્ષ ડો. કૃષ્ણપ્રસાદ નીરૌલાએ કર્યું હતું.