પાટણના નોરતા ગામે રખડતાં ઢોર ની હડફેટે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા આધેડ નું મોત નિપજ્યું..

પાટણ શહેરના ત્રિકમ બારોટની વાવ નજીક રખડતા ઢોરે રાહદારીને અડફેટમાં લેતા ફેક્ચર થયું..

સરકાર દ્વારા રખડતાં ઢોરો બાબતે તાત્કાલિક ધોરણે કાયદો બનાવી યોગ્ય કરે : ડો.કિરીટ પટેલ..

પાટણ તા.૩૧
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાંમાં દિવસે દિવસે રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બની રહ્યા છે છતાં જિલ્લા વહીવટી તંત્ર સહિત નગરપાલિકાના નધરોળ વહીવટીતંત્ર દ્વારા રખડતા ઢોરો માટે ની સમસ્યા દૂર કરવા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ન ધરાતા શહેરીજનોમાં તંત્ર અને પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.


પાટણ તાલુકાના નોરતા ગામે ગતરોજ એક આધેડ વયના વ્યક્તિ ને રખડતા ઢોરે અડફેટે લેતાં તેઓને ગંભીર ઈજાઓ થતાં પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કરતા મૃતકના પરિવારજનોમા શોક છવાયો હતો તો રખડતા ઢોરો ની સમસ્યાનો ઉકેલ લાવવા તંત્ર કાયૅવાહી હાથ ધરે તેવી માંગ કરવામાં આવી હતી.


તો પાટણ શહેરના શાહનાપાડા માં પટેલ ની શેરી માં રહેતા વિમલભાઈ ઓઝા નામના વડીલને ત્રિકમ બારોટ ની વાવ પાસે ગાયે હડફેટે લેતા તેઓને ફ્રેકચર થતાં તાત્કાલિક સારવાર અર્થે શહેરના ખાનગી ઓર્થોપેડીક સજૅન ને ત્યાં દાખલ કરવાની ફરજ પડી હતી.


પાટણ શહેર અને જિલ્લામા અવાર નવાર રખડતા ઢોરોની સમસ્યા બાબતે શહેરીજનો દ્વારા કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલ વહીવટી તંત્ર તેમજ નગરપાલિકાના નધરોળ વહીવટ તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં રખડતાં ઢોરોની સમસ્યા દૂર કરવામાં આજ દિન સુધી તંત્ર અને પાલિકા બન્ને વામણા પૂરવાર થયા છે. શહેરીજનોને ભોગવવી પડતી રખડતાં ઢોરો ની સમસ્યા દુર કરવા તંત્ર કુંભકર્ણ ની નિંદ્રા માંથી બહાર આવી નક્કર કામગીરી હાથ ધરે તેવી માંગ શહેરીજનો માં ઉઠવા પામી છે.


તો રખડતાં ઢોરો નાં કારણે બનતાં બનાવોને પગલે પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલે પોતાની પ્રતિક્રીયા આપતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા રખડતાં ઢોરો ની સમસ્યા માટે તાત્કાલિક ધોરણે કાયદો અમલ લાવી રખડતા ઢોરો બાબતે યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી માંગ કરી હતી.