સરકાર હવે માઈ-બાપ નહીં , જનતા જનાર્દનની સેવક છે :વડાપ્રધાન..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના લાભાર્થીઓ સાથે શિમલાથી કર્યો વર્ચ્યુઅલી સંવાદ..

છેવાડાનાં માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચે તે પ્રાથમિકતા : સાંસદ..

પાટણ તા.૩૧
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં કન્વેન્શન હોલ ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત જિલ્લા કક્ષાનું ‘ ગરીબ કલ્યાણ સંમેલન’ સોમવારના રોજ યોજાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં સરકાર ની યોજનાના લાભાર્થીઓ જોડાયા હતા. કેન્દ્ર સરકાર ની 13 યોજનાઓનાં લાભાર્થીઓ સાથે હાજર મહાનુભાવોએ સીધો સંવાદ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિમલાથી લાભાર્થીઓની સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. સરકાર ની વિવિધ યોજનાઓથી તેઓને શું લાભ થયો છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર દેશના દરેક રાજ્યમાંથી લાભાર્થીઓ જોડાયા હતાં. આ તમામ લાભાર્થીઓએ વડાપ્રધાનને સરકાર ની યોજનાઓ થકી મળેલાં લાભો થકી તેમનાં જીવનમાં કેવાં પરિવર્તન આવ્યા છે તે અંગે માહિતી મેળવી હતી.


આ સંમેલનમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 10 કરોડથી વધુ ખેડૂતોને રૂપિયા 21 હજાર કરોડથી વધુનાં 11માં હપ્તાની ચૂકવણી કરી હતી. પાટણ ખાતે યોજાયેલ આ કાર્યક્રમની શરૂઆત વિવિધ યોજનાઓને લગતી સાફલ્યગાથા દર્શાવતી ટૂંકી ઓડિયો વીડિયો ક્લિપનું પ્રસારણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર ડી.એમ સોલંકીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જિલ્લા કક્ષાનાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે મહાનુભાવોએ સીધો સંવાદ કર્યો હતો.


આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું કે “ફાઈલમાં સહી કરતી વખતે હું વડાપ્રધાન તરીકેની ફરજ બજાવું છું ત્યારબાદ 130 કરોડ દેશવાસીઓના પરિવારના સદસ્ય તરીકે રહુ છું. આજે ભારત દેશની ખ્યાતિની ચર્ચા પુરી દુનિયામાં થઈ રહી છે. ભારત દેશ સર્જીકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક દ્રારા પુરી મજબૂતાઈ સાથે ઉભો છે. આજની સરકાર દેશના નાગરિકો માટે કામ કરવાં માટે તત્પર રહે છે. આજે સરકાર એ માઇ-બાપ નથી પણ સેવક છે. કેન્દ્ર સરકારની 13 યોજનાઓ થકી જનતાને મળેલા લાભો અંગે વિસ્તૃત માહિતી પણ આપી હતી.


જિલ્લા કક્ષાએ યોજાયેલ આ સંમેલનમાં પાટણના સાંસદસભ્ય ભરતસિંહ ડાભી, ચાણસ્માના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ ડો.દશરથજી ઠાકોર, આગેવાન કે.સી. પટેલ, જયશ્રીબેન દેસાઈ, મનુજી ઠાકોર, બાબુજી ઠાકોર, દીપમાલાબેન પટેલ, મોહનભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ, વિવિધ યોજનાના લાભાર્થીઓ તથા જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.