#PATAN_CITY : ઉનાળાને ધ્યાનમાં રાખીને મિનરલ પાણીની બોટલો માં રહેલ પાણીની ગુણવત્તા ચકાસવા તંત્ર ની ખાસ કવાયત…

પાટણ ખાદ્ય અને ઔષધ નિયમન કચેરી દ્વારા જુદી-જુદી ટીમો તૈયાર કરી શહેર,તાલુકા અને જિલ્લા મથકે તપાસ હાથ ધરવામાં આવી..

જુદી જુદી કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ મિનરલ વોટર ની બોટલો ના નમુના મેળવી પૃથક્કરણ માટે મોકલી અપાયા..

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ખાદ્ય સામગ્રીમાં ભેળ સેળ કરતા તત્વોને નસિયત કરવા પાટણ ખાદ્ય અને ઔષધ નિયમન કચેરીના અધિકારીની ટીમ દ્વારા અવાર નવાર આકસ્મિક તપાસ હાથ ધરી ખાદ્ય-સામગ્રી માં ભેળસેળ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે પાટણ ખાદ્ય અને ઔષધ નિયમન કચેરીના ડેજીગ્નેશન ઓફિસર વિપુલભાઈ ચૌધરી ની રાહબરી હેઠળ ફુડ ઈન્સપેક્ટર એચ.બી.ગુર્જર અને યુ.એસ.રાવલ ની ટીમ દ્વારા ઉનાળા ની ગરમી ને ધ્યાનમાં રાખીને કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા બજારમાં વેચાણ માટે મુકવામાં આવતી મિનરલ વોટર ની બોટલોની તપાસ માટે ની ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
ઝુંબેશ દરમિયાન કેટલીક ખાનગી કંપનીઓની મિનરલ વોટર ની બોટલો નમુના મેળવી તેની ગુણવત્તા ચકાસવા માટે વડોદરા ની સરકારી લેબોરેટરીમાં મોકલી આપી આગળ ની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું ખાધ અને ઔષધ નિયમન કચેરી પાટણના ડેઝિગ્નેશન અધિકારી વિપુલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો પોતાની તરસ છીપાવવા બજારમાં વેચાતી ખાનગી કંપનીઓની મિનરલ વોટરની બોટલોનો ઉપયોગ કરતા હોય છે.તો લગ્ન પ્રસંગે પણ લોકો મોટી સંખ્યામાં મિનરલ વોટર ની બોટલો નો ઉપયોગ કરતા હોય ત્યારે આ બોટલોમાં રહેલ મિનરલ વોટરની ગુણવત્તાને તપાસવા પાટણ ખાદ્ય અને ઔષધ નિયમન કચેરીની જુદી જુદી ટીમો બનાવી ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ટીમો દ્વારા જુદી જુદી ખાનગી કંપનીઓની મિનરલ વોટર ની બોટલો નાં વેચાણ માટે નિયુક્ત કરાયેલા પાટણ શહેર, તાલુકા અને જિલ્લા મથકની એજન્સીઓ ઉપર તપાસ હાથ ધરી હતી. પાટણ શહેર નાં હારીજ લીંક રોડ પર આવેલ જય અંબે મિનરલ પ્લાન્ટ પરથી એકતા બેવરેજ સાણંદ ની એ ગ્રેડ પેકેજ મિનરલ વોટર બોટલ, ચાણસ્મા જીઆઈડીસી ખાતે ના અંબે બેવરેઝીસ પરથી સરદાર એકવા પેકેજ કંપની ની મિનરલ વોટર બોટલ, સિધ્ધપુર નાં ખળી ચાર રસ્તા નજીક આવેલ એમ.કે.
બેવરેઝીસ પરથી ઓ.વાય. એસ પેકેજ મિનરલ વોટર બોટલ, રાધનપુર ખાતે જીઆઈડીસી માં આવેલ વરૂણ બેવરેઝીસ પરથી હાટૅ લી પેકેજ મિનરલ વોટર બોટલ નાં નમુના મેળવી તેને પૃથક્કરણ માટે સરકારી લેબ વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા હોવાનું પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન કચેરીના ડેજીગ્નેશન અધિકારી વિપુલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
ઉનાળાની કાળઝાળ ગરમી ને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમન કચેરી ની ટીમ દ્વારા મિનરલ વોટર ની ગુણવત્તા ચકાસવા હાથ ધરવામાં આવેલ કામગીરી ને લઈને સનસનાટી મચી જવા પામી હતી.