આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જીવન સંધ્યા ઘરડાઘર ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે વ્યક્તવ્ય યોજાયું..

આધુનીક ભારતના નિર્માણમાં પંડીત નેહરૂનો સિંહ ફાળો રહ્યો છે : સંજય વકીલ

પાટણ તા.8
અમદાવાદની જીવન સંધ્યા વૃધ્ધાશ્રમ અને ધર્મ જાગૃતી કેન્દ્ર ધ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓ વીશે વક્તવ્યો યોજાય છે.આ શ્રેણીના ભાગરૂપે એચ.એ.કોલેજના પ્રિન્સીપાલ અને પાટણના જાણીતા ઇતિહાસકાર મુકુન્દરાય બ્રહ્મક્ષત્રિય નાં પુત્ર સંજયભાઈ વકીલે મુખ્ય વક્તા તરીકે “પંડીત નેહરૂ એક રાષ્ટ્રીય પ્રતિભા” વિષય ઉપર પ્રવચન આપ્યુ હતુ.


પ્રિ.વકીલે કહ્યું હતુ ભારતના પ્રથમ પ્રધાનામંત્રી તરીકે પંડીત નેહરૂ બન્યા ત્યારથી જ સંઘર્ષની શરૂઆત થઇ ગઈ હતી. આઝાદીના સમયમાં દેશની વસ્તી લગભગ ૩૫ કરોડ હતી જેમાંથી ૮૪ ટકા વસ્તી નિરક્ષર હતી. દેશમાં કારમી ગરીબી અને દારૂણ વિટંબણાઓ સખત હતી. અંધશ્રધ્ધાએ ભરડો લીધો હતો. આવી પરિસ્થિતીમાંથી દેશને ઉગારવાનો હતો સાથે સાથે દેશના દરેક નાગરીકને પાયાની સવલતો પૂરી પાડવાનો પડકાર પણ હતો. પંડીત નેહરૂ લાગણીશીલ તથા માનવીય અભીગમ ધરાવતા હતા. તેમના માટે રાષ્ટ્રીય એકતા, ધર્મ નિરપેક્ષતા, શાંતી અને સમાજવાદ મહત્વના હતા. આપણે એમ પણ કહી શકીએ કે નેહરૂ માટે સમાજવાદ શ્રધ્ધાનો વિષય હતો.

ભારતના દરેક નાગરીકને સમાન તક અને ન્યાય મળે, કોઇનુ પણ શોષણ ના થાય એવા ભારતની રચના કરવાનું સપનુ નેહરૂએ જોયુ હતુ. સ્વપ્ન દ્રષ્ટા અને વિશ્વશાંતીના હિમાયતી પંડીત નેહરૂ લોકશાહી, સમાજવાદ અને બિનસાંપ્રદાયીકતામાં ચુસ્ત રીતે માનતા હતા. મહાત્મા ગાંધી અને નેહરૂ વચ્ચે મતભેદો હતા છતા પણ તેઓ સાચા અર્થમાં મિત્રતાથી કાર્ય કરતા હતા. નેહરૂની વિચારધારા અને નીતિઓ ઉપર ગાંધીજીની અસર ચોક્કસ હતી. આથીજ ગાંધીજીએ નેહરૂને પોતાના રાજકીય વારસ તરીકે જાહેર કર્યા હતા. નેહરૂ માનતા હતા કે દેશની પ્રગતી કરવી હશે તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ વધુ કરવો પડશે. કારખાના, રસ્તાઓ, વિજળી તથા રોજગારી ઉભી કરવી પડશે. આપણે ચોક્કસ કહી શકીએ કે ગાંધીજી ભારત દેશના રાષ્ટ્રપિતા છે તો પંડીત નેહરૂ આધુનીક ભારતના પિતા છે. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન અંગ્રેજોની સામે અવાજ ઉઠાવનાર પંડીત નેહરૂને વિવિધ સજા પેટે લગભગ ૯ વર્ષ જેલમાં ગાળવા પડ્યા હતા.
આ પ્રસંગે જીવન સંધ્યા વૃધ્ધાશ્રમના ડીમ્પલબેન શાહ તથા ધર્મ જાગૃતિ કેન્દ્રના પ્રમુખ પ્રમોદભાઈ શાહે પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યા હતા.