સાંતલપુર પંથક માંથી પસાર થતી નર્મદા કેનાલ માંથી ખાનગી કંપની દ્વારા ખુલ્લેઆમ થતી પાણીની ઉઠાંતરી..

ખેડૂતો કેનાલ માંથી પરમિશન વગર પાણી મેળવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે..

પાટણ તા.9
સાંતલપુર પંથકના ખેડૂતો મશીન મુકી કેનાલ માંથી પાણી મેળવે તો તેના પર કાર્યવાહીની ચીમકી આપતું નર્મદા નિગમ રોડ બનાવતી પ્રાઇવેટ કંપની પર મહેરબાન બની હોય તેમ ખુલ્લેઆમ પાણી ની ચોરી કરી રહ્યા છે. સાંતલપુર નજીક કચ્છ કેનાલમાંથી બેફામ પાણી ચોરી થતી હોવાની રાવ ઉઠવા પામી છે.


સાંતલપુર તાલુકા માંથી પસાર થતી ક્ચ્છ કેનાલમાં હાલમાં નર્મદાનું પાણી છોડાયું છે , જેનો મુખ્યહેતુ ઉનાળામાં લોકોને પીવાના પાણી માટે રાહત મળી રહે.તો આ કેનાલ માંથી કોઈને પાણી લેવા મંજૂરી અપાઈ નથી . છતાં સાંતલપુરથી સાંચોર રોડની કામગીરી ચાલતી હોઈ ખાનગી કોન્ટ્રાક્ટરે રોડના કામ માટે મંજૂરી વિના નર્મદા કેનાલ પરથી રોજનું હજારો લિટર પાણી ટેન્કરો દ્વારા ભરી લેવાતું હોવાનું સામે આવ્યું છે . ત્યારે નવાઇની વાત એ છે કે , આ પાણી ચોરી કરી રહેલી કંપની પર નર્મદા નિગમ દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં નહિ આવતા અને નર્મદા નિગમ મહેરબાન રહેતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે . પ્રાઇવેટ ટેન્કરો દ્વારા નર્મદા નિગમ કેનાલ માંથી પાણીના ફેરા કરાય છે.


આ બાબતે રોડ બનાવતી પ્રાઇવેટ કંપનીના કર્મચારી અરવિંદ પાઠકે જણાવ્યું હતું કે અમે નર્મદા વિભાગ પાસે થી પરમિશન લીધેલ છે . અમે પરમિશન વગર પાણી લેતા નથી અમે જે પાણી લીધું તે કાર્યદેસર જ છે. રોડ બનાવવાનો પ્રોજેક્ટ મંજૂર થયો છે ત્યારે રોડમાં હજારો લિટર પાણીની જરૂરિયાત રહે છે ત્યારે ટેન્કરો કેનાલ પર મશીનો ગોઠવી પાણી કેનાલ માંથી ટેન્કરો મારફતે ભરી ખુલ્લેઆમ પાણીની ચોરી કરવામાં આવી રહી છે.


રાધનપુર નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઈજનેર શશીકાંત મહેતાએ જણાવ્યું હતું કે , હાલમાં પ્રાઇવેટ કંપની દ્વારા જો પાણી ઉઠાવવામાં આવી રહ્યું છે તે તો પાણીની ચોરી જ છે . કોઈને મંજૂરી અપાઈ નથી . હાલમાં કેનાલમાં છોડાયેલું પાણી માત્ર ડેમ માટે જ છે . જો ચોરી થઈ છે તો કાર્યવાહી હાથ ધરાશે તેવું જણાવ્યું હતું.