વારાણસી નાં જ્ઞાનવાપી માં પ્રગટ થયેલા આદિ વિશ્વેશ્વર જ્યોતિર્લીંગ ની પુજા અર્ચના માટે છુટ આપવા માંગ ઉઠી..

પાટણ જગદીશ મંદિર ટ્રસ્ટ અને સનાતનધર્મી ભાઈ – બહેનો દ્વારા રાષ્ટ્રપતિ ને ઉદ્દેશીને કલેકટર ને આવેદન પત્ર આપ્યું..

પાટણ તા.9
વારાણસીના જ્ઞાનવાપીમાં પ્રગટ થયેલ આદીવિશ્વેશ્વર જ્યોર્તિલિંગ ની પુજા અર્ચના માટે ગયેલ સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હોવાના મામલે સમગ્ર હિન્દુ સનાતન પ્રેમીઓમાં રોષ ફેલાયો છે તો આ મામલે ઠેર ઠેર આવેદનપત્ર આપવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ગુરૂવારના રોજ પાટણ જગદીશ મંદિર ટ્રસ્ટ અને હિન્દુ સનાતન પ્રેમીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જ્ઞાનવાપી માં જ્યોતિર્લીંગ ની પુજા અર્ચના માટેની છુટ આપવામાં આવે તેવી માંગ કરી સંત ને પુજા અર્ચના કરતા રોકનારાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત રાષ્ટ્રપતિ સમક્ષ પહોચાડવા રજુઆત કરી હતી.


પાટણ શહેરમાં આવેલા ૧૦૯ વર્ષ જુના જગન્નાથજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને સમગ્ર સનાતન વૈદિક હિંદુઓ વર્તી અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપીમાં શતાબ્દીઓથી વિધર્મીઓ દ્વારા છુપાવી રાખવામાં આવેલ જ્યોતિર્લિંગ કે જે હવે ન્યાયાલય દ્વારા થયેલ સંશોધન અંતર્ગત પ્રકાશમાં આવ્યું છે સનાતન ધર્મમાં ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યારે તેના દર્શન, પૂજન, રાગ-ભોગ કરવાનો નિયમ હોય છે. જે અંતર્ગત આદી વિશ્વેશ્વર જ્યોર્તિલિંગનું પૂજન અર્ચન અત્યંત અનિવાર્ય છે. તે સંજોગોમાં ગમે તે સરકાર હોય તેને પુજાવિધિમાં હસ્તાક્ષેપ કરવાનો બંધારણીય અધીકાર મળતો નથી. લોકશાહીમાં પ્રજા સર્વો પરી છે. વારાણસીનો ધાર્મિક વિસ્તાર જ્યોતિષપીઠના અધિકાર ક્ષેત્રમાં આવે છે, જેથી પૂજન માટે સનાતન ધર્મના સર્વોચ્ચ આચાર્ય જ્યોતિષપીઠાધેશ્વર જગતગુરુ શંકરાચાર્ચ સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજે પોતાના શિષ્ય પ્રતિનિધિ તરીકે સ્વામી શ્રી અવિમુકતસ્વરાનંદ સરસ્વતીજી મહારાજને આદિવિશ્વેશ્વર જ્યોર્તિલિંગનું પૂજન અર્ચન કરવા સુચના આપતા સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી વિશ્વેશ્વર જ્યોર્તિલિંગનું પૂજન અર્ચન કરવા વારાણસી પહોંચ્યા હતા અને તેઓશ્રી તા.૦૩-૦૬-૨૦૨૨ ને શનિવારે શિવવિદ્યા મઠ, વારાણસીથી સવારે ૯-૦૦ કલાકે જ્ઞાનવાપી સ્થિત જ્યોર્તિલિંગના પૂજન માટે પ્રસ્થાન કરેલું ત્યારે જ મઠના દરવાજા પર જ પોલીસ અધિકારીઓ દ્વારા સ્વામીજીને રોકી દેવામાં આવ્યા હતાં. સ્વામીશ્રીએ પૂજન કરવા જવા દેવા અનુરોધ કર્યો હતો અને કહ્યું કે, “શિવલિંગને કદાપી અપૂજ્ય રાખવું ઉચીત નથી. છેવટે કોઇ એક વ્યક્તિને પણ શિવલિંગની પૂજા કરવા દેવા માટે સરકારે પરમીશન આપવી જોઇએ.” શાંતિપૂર્ણ માહોલમાં કોઇ જ હથિયાર વગર અને કાયદાનો ભંગ કર્યા વિના પૂજન માટે જતાં સ્વાર્મી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીને રોકવામાં આવતા તેઓશ્રીએ અન્ન જળનો ત્યાગ કરી ૧૦૮ કલાક તપશ્ચર્યા કરી છે.
શાસ્ત્રોક્ત રીતે આદિ વિશ્વેશ્વરનું પૂજન અનિવાર્ય છે.

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભલે એક જ વ્યક્તિ દ્વારા પૂજન થાય પરંતુ શિવલિંગ અપૂજ્ય ના રહેવું જોઈએ તેવું શાસ્ત્રોના વિધાન મુજબ પૂજન થવું એ કરોડો સનાતની હિન્દુઓની શ્રધ્ધા અને આસ્થાનો વિષય હોઇ કોઇ પણ સરકાર કે કોર્ટ તેને રોકી શકે નહીં. લોકશાહી દેશમાં પ્રજા સર્વોપરી છે અને બંધારણની જોગવાઇ મુજબ કોઇ પણ નાગરીકોની ધાર્મિક લાગણી અને આસ્થા દુભાય તેવું કૃત્ય કરવાનો કોઇ વ્યકિત કે સરકારને અધિકાર મળતો નથી.


જ્ઞાનવાપીમાં જે રીતે મુસ્લિમ સમાજના લોકોને નમાઝ પઢવાની છૂટ આપવામાં આવે છે તે જ રીતે સનાતની હિન્દુઓને પણ પૂજા-અર્ચનનો અધિકાર અને છૂટ આપવામાં આવે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે નિત્ય પૂજન-અર્ચન કરવા એક હિન્દુ પૂજારી નક્કી કરવાની સરકાર છૂટ આપે કારણ કે ભારતીય સંવિધાન મુજબ પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિ ૩ વર્ષના બાળક સમાન ગણવામાં આવે છે. તેથી ધાર્મિક લાગણી ના દુભાવતા તાત્કાલિક અસરથી આદિ વિશ્વેશ્વર જ્યોર્તિલિંગ અપૂજ્ય ના રહે તે માટે તેનું પૂજન અર્ચન કરવા દેવા માટે અનુમતી અને પરમીશન સરકાર દ્વારા આપવામાં આવે તેવી માંગ સાથે આ અતિ સંવેદનશીલ અને ગંભીર બાબતને ધ્યાનમાં લઇ સમગ્ર સનાતનધર્મીઓની લાગણી ના દુભાય તે માટે ઉપરોક્ત વિષયમાં સરકાર સીધો હસ્તક્ષેપ કરી સ્વામીશ્રી અવિમુક્તેશ્વર સરસ્વતીજીને પૂજન કરવા દેવાની અનુમતી આપવા જરૂરી આદેશ ફરમાવવામાં આવે તેવી માંગણી આવેદનપત્ર માં કરવામાં આવી હોવાનુ અને ઉપરોક્ત વિષયે સરકાર દ્વારા સીધો હસ્તક્ષેપ થવામાં વિલંબ થશે અને તેના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાશે તો તેની જવાબદારી સરકારની રહેશે. હિન્દુ પ્રજા પોતાના ધાર્મિક અધિકાર અને જ્યોતિલિંગના પૂજન માટે આંદોલનનો માર્ગ અપનાવે અને તેના કારણે દેશની શાંતિ, સલામતી અને કાયદાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે તાકીદે યોગ્ય નિર્ણય કરી સરકાર તાત્કાલિક આ મામલે હસ્તક્ષેપ કરી પોતાની વિશાળ સત્તાનો ઉપયોગ કરી હિન્દુઓની માંગણીને સંતોષવામાં આવે તેવી અપીલ પણ આ આવેદનપત્રમાં કરવામાં આવી હોવાનુ શ્રી જગન્નાથજી મંદિર પાટણના મેનેજીંગ ટ્રસ્ટી પિયુષભાઇ ડી. આચાર્ય અને ટ્રસ્ટી મંડળ સહિત સનાતનધર્મી ભાઇ-બહેનોએ જણાવ્યું હતું.