13 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા યુનિફોર્મથી લઈને સ્કૂલ બેગ, પુસ્તકો અને સ્ટેશનરીના ભાવમાં 25-30 ટકાનો વધારો થયો

13 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા યુનિફોર્મથી લઈને સ્કૂલ બેગ, પુસ્તકો અને સ્ટેશનરીના ભાવમાં 25-30 ટકાનો વધારો થયો

રાજ્યની શાળાઓમાં 13 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ  અને વાલીઓ દ્વારા યુનિફોર્મથી લઈને સ્કૂલ બેગ અને સ્ટેશનરીની ખરીદી શરૂ થઈ ગઈ છે. પરંતુ ફરી એકવાર મોંઘવારીથી વાલીઓ પણ પરેશાન થવાનો વારો આવ્યો છે કારણ કે યુનિફોર્મથી લઈને સ્કૂલ બેગ, પુસ્તકો અને સ્ટેશનરીના ભાવમાં 25-30 ટકાનો વધારો થયો છે.

કોરોના રોગચાળાને કારણે રાજ્યમાં બે વર્ષથી ઓનલાઈન શિક્ષણ ચાલુ રહ્યું હતું. પરંતુ ત્રીજી લહેર પછી, જ્યારે શાળાઓ ફરી શરૂ થઈ હતી ત્યારે શાળા પ્રશાસને યુનિફોર્મ અથવા અન્ય વસ્તુઓ માટે દબાણ કર્યું ન હતું.

કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી યુનિફોર્મ, બેગ, શૂઝ વગેરે ખરીદવા માટે વાલીઓ પર કોઈ દબાણ નહોતું. વાલીઓએ ફક્ત શાળાની ફી જ ભરવાની હતી. પણ હવે જયારે કોરોના કાળ પૂર્ણ થયો છે ત્યારે બે વર્ષ પછી વાલીઓ પર યુનિફોર્મ, સ્કૂલ બેગ અને સ્ટેશનરી વગેરે ખરીદવાનું દબાણ આવ્યું છે. શહેરમાં યુનિફોર્મ, સ્કુલ બેગ અને સ્ટેશનરી વિક્રેતાઓની હવેથી ભીડ જોવા મળી રહી છે.

સ્કૂલ યુનિફોર્મ વિક્રેતાએ જણાવ્યું કે બે વર્ષથી અમારો ધંધો ધીમો હતો, પરંતુ આ વખતે શાળાઓ રેગ્યુલર શરૂ થતા અમને આશા છે. સ્કૂલ યુનિફોર્મના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે. કાપડ મોંઘુ થતાં લેબર ચાર્જ વધી ગયો છે. તેની અસર યુનિફૉર્મના ભાવ પર પડી છે.

સ્કૂલ બેગ બનાવનાર અન્ય એક વિક્રેતાએ જણાવ્યું છે કે સ્કૂલ બેગની કિંમતમાં પણ 30 ટકાનો વધારો થયો છે. કાચા માલના ભાવમાં વધારાની સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે લોજિસ્ટિક ચાર્જમાં પણ વધારો થયો છે. કોરોના બાદ મજૂરોની અછત પણ ઉભી થઇ છે. આ જ કારણ છે કે ભાવમાં વધારો થયો છે.

કાગળના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે પુસ્તકો અને નોટબુક પણ 20 થી 25 ટકા મોંઘી થઈ ગઈ છે. નોટબુકના જથ્થાબંધ વેપારીએ જણાવ્યું હતું કે, કાગળ અને પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવની સાથે આ વખતે જીએસટીની અસર પુસ્તકો અને નોટબુકો પર પણ જોવા મળી રહી છે.