જાણો કયા મુદ્દે થયો વિચાર વિમર્શ……… ? યુપીના ગૌરવવંતા રાજ્યપાલ શ્રીમતિ આનંદીબેન પટેલ ની પ્રતીનિધિ મંડળ સાથે મુલાકાત લેતા પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ………….

યુપી નાં રાજ્યપાલ અને ગુજરાત નાં પૂર્વ અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ડો કિરીટ પટેલ નું અભિવાદન કર્યું..

પાટણ તા.10
ગુજરાત વિધાનસભામાં સૌથી જાગૃત અને સક્રિય ધારાસભ્ય તરીકેની ભૂમિકા નિભાવનારા પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નિમાબેન આચાર્યના નેતૃત્વમાં હાલમાં ઉત્તરપ્રદેશ રાજ્યના અભ્યાસ પ્રવાસે સાત ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓના પ્રતિનિધિ મંડળમાં ગયેલા છે.

રાજ્ય વિધાનસભા અધ્યક્ષા ડૉ. નિમાબેન આચાર્યના નેતૃત્વના આ પ્રતિનિધિ મંડળમાં વિરોધપક્ષના ધારાસભ્ય તરીકે સૌથી વધુ અભ્યાસુ એવા પાટણના જાગૃત ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલ ઉપરાંત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ, વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇ,ધારાસભ્યો રમણભાઇ પટેલ, માલતીબેન મહેશ્વરી, સંગીતાબેન પાટીલ સાથે વિધાનસભાના સચિવ અને અન્ય ચાર જેટલા ઉચ્ચ અધિકારીઓ જોડાયેલા છે.

ઉત્તરપ્રદેશની રાજધાની લખનવ પહોંચેલા આ પ્રતિનિધિ મંડળે ગઇકાલે વિધાનસભા ગૃહની મુલાકાત લીધી હતી અને વિધાનસભા અધ્યક્ષ સાથે ઉત્તરપ્રદેશ ગૃહની મુલાકાત લઇ ગૃહની પ્રણાલિકાની જાણકારી મેળવી હતી. અત્રે વિધાનસભ્યોને વિધાનસભામાં ઉપયોગ માટે લેપટોપ અને રહેઠાણ ઉપર કોમ્પ્યુટર આપવામાં આવેલા છે જેના થકી તેઓ વધુ અભ્યાસપૂર્ણ રીતે પોતાની વાત ગૃહમાં રજૂ કરી શકે જ્યારે ગુજરાતમાં મોબાઇલ સાથે ગૃહમાં પ્રવેશવાની છુટ નથી અપાઈ તેની પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટભાઇ પટેલે નોંધ લીધી હતી.

આ પ્રતિનિધિ મંડળે બપોરનું ભોજન યુપી નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે લઇ રાજ્યની વિવિધ વિકાસલક્ષી અને પ્રજા કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી મેળવી હતી. અત્રે ડૉ. કિરીટભાઈ પટેલ સાથે યોગી આદિત્યનાથે ગહન ચર્ચા કરી હતી અને તેમની પ્રજાલક્ષી પ્રશ્નોની ગૃહમાં અભ્યાસપૂર્ણ રજૂઆતોને બિરદાવી હતી. ડૉ. કિરીટ પટેલે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા ડિજીટલાઇઝેશન અપનાવી જે પધ્ધતિએ કામગીરી કરવામાં આવે છે તે બદલ યોગી આદિત્યનાથને અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ડૉ. કિરીટભાઇ પટેલનું મુખ્યમંત્રીએ ખાસ મોમેન્ટો આપી સન્માન પણ કર્યું હતું.

ગુજરાત રાજ્યનું પ્રતિનિધિ મંડળ ઉતર પ્રદેશ રાજ્યની મુલાકાતે આવેલ હોઇ યુપીના ગૌરવવંતા રાજ્યપાલ અને ગુજરાત નાં પૂર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી ની સાથે પાટણ વિધાનસભા ના ધારાસભ્ય કમ મંત્રી તરીકે યશસ્વી કામગીરી કરનારા શ્રીમતિ આનંદીબેન પટેલે રાત્રી ભોજન માટે રાજભવન ખાતે આમંત્રણ પાઠવતાં સમગ્ર પ્રતિનિધિ મંડળના સભ્યોએ આનંદીબેન પટેલ ની મુલાકાત લેતાં તેમણે ઉમળકાથી રાજભવનમાં મીઠો આવકાર આપી સમગ્ર રાજભવન બતાવ્યું હતું અને રાજ્યની યોજનાકીય વહીવટી રૂપરેખા આપી હતી.

ગુજરાતના ગૌરવવંતા પૂર્વ મુખ્યમંત્રી સાથેની ભાવપૂર્ણ મુલાકાતથી સૌ પ્રભાવિત થયા હતા અને ઉમળકાભેર આવકાર અને ભોજન માટે આભાર વ્યકત કર્યો હતો.

પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલે મહિલા લક્ષી યોજનાઓ અને પ્રશ્નો ની આનંદીબેન પટેલ સાથે વિસ્તૃત વિચાર વિમર્શ કર્યો હતો.આનંદીબેન પટેલે આ પ્રસંગે પાટણ અને ગુજરાત ને ખાસ યાદ કર્યો હોવાનું પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું.