વાઘેલ ખાતે બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજી પરિક્ષણ વિષય પર બે દિવસીય મહિલા તાલિમ શિબિર યોજાઈ..

વાઘેલ ખાતે બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજી પરિક્ષણ વિષય પર બે દિવસીય મહિલા તાલિમ શિબિર યોજાઈ..

પાટણ તા.10
પાટણના હારીજ તાલુકાના વાઘેલ ગામ ખાતે નાયબ બાગાયત નિયામક ની કચેરી પાટણ દ્વારા ગ્રામીણ વિસ્તારની બહેનો પગભર અને આત્મનિર્ભર બને તે હેતુસર ફળ અને શાકભાજીની વિવિધ બનાવટો સહિત પરીક્ષણ ની બે દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. બે દિવસીય યોજાયેલ તાલિમ શિબિરમાં મહિલાઓને ફળ અને શાકભાજી માંથી બનતી વિવિધ બનાવટો વિશે માહિતગાર કરવામાં આવી હતી.

તાલીમ માં વિવિધ બનાવટો જેવી કે કાચી કેરીનો શરબત, ટોપરાનાં લાડુ, ટુટીપૂટી, ,વિવિધ અથાણાં, જામ, સ્કવોશ જેવી વિવિધ બનાવટો બનાવવામાં આવી હતી અને તે અંગે બહેનો ને પ્રાયોગિક સમજુતી પણ આપવામાં આવી હતી. રાજ્ય માં ફળો અને શાકભાજીના પાકોનું વાવેતર અને ઉત્પાદન વધી રહ્યું છે. પોષક તત્વોની દષ્ટિએ જોઈએ તો ફળ પાકોમાં શર્કરા, વિટામિન્સ તેમજ ખનિજ તત્ત્વોનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. જ્યારે શાકભાજી પાકોમાં વિટામિન્સ, ખનિજ દ્રવ્યો, તેમજ કુદરતી રેસાઓનો સ્ત્રોત રહેલો છે. આથી ખોરાકમાં નિયમિત ફળ અને શાકભાજી નો ઉપયોગ જરૂરી છે. પરંતુ ફળો અને શાકભાજી જલ્દીથી બગડી જવાનો ગુણધર્મ ધરાવે છે માટે તેનું પ્રોસેસીંગ કરીને વિવિધ બનાવટો નાં સ્વરૂપ માં જાળવણી કરવામાં આવે તો તેનો લાબો સમય સુધી ખોરાકમાં નિયમિત ઉપયોગ કરી શકાય છે. તેમજ વિવિધ બનાવટો થકી તેનું મૂલ્યવર્ધન કરી સારી આવક મેળવી સ્વરોજગારી પણ મેળવી શકાય છે. આમ પરિક્ષણ થકી નાશવંત બાગાયતી પેદાશનો બગાડ અટકાવી મૂલ્યવર્ધન કરી છેવાડાના માનવી સુધી બનાવટો પહોંચાડી કુપોષણ ની સમસ્યા પણ હલ કરી શકાય એમ છે.

તાલીમનાં સફળ આયોજનમાં નાયબ બાગાયત નિયામક મુકેશભાઈ ગલવાડીયા અને એન. વી. પટેલ મ.બા. નિ. નાં માર્ગદર્શન હેઠળ બાગાયત અધિકારી અમિત દેસાઈ તેમજ નિષ્ણાત બેનશ્રી હીનાબેન પટેલ નો નોંધપાત્ર ફળો રહ્યો હતો. તાલીમ માં 50 જેટલી બહેનોએ હર્ષભેર ભાગ લીધો હતો.