સરકારી કૉલેજ હારીજમાં ઈનોવેશન ક્લબ અંતર્ગત ચાર દિવસીય તાલીમ શિબિર યોજાઈ..

પાટણ તા.૯
ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની દરેક કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરી પોતાની રીતે રોજગારી ઉભી કરી શકે તેમજ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા વિવિધ સાધનોનો ઉપયોગ કેમ કરાય તેના વિશેનો ચાર દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.


સરકાર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા કોઈ પણ પ્રવાહના વિદ્યાર્થીઓને તાલીમ આપીને અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલા વિવિધ કૌશલ્યને ખીલવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ઇનોવેશન ક્લબ નામના પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ હારીજમાં જુદા જુદા પ્રવાહમાં અભ્યાસ કરતા પંચાવન વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. ‘પ્રબોધ’ લેવલની આ તાલીમમાં ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી કિંમતી અને અગત્યની સાધન કીટ ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી કોલેજને આપવામાં આવી હતી.


માસ્ટર ટ્રેનર તરીકે કૃણાલભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને બેઝિક ઇલેક્ટ્રોનિક, મિકેનિકલ, ખેતીવાડીને લગતા સાધનોના ઉપયોગ દ્વારા કેવી કેવી રીતે નવતર પ્રયોગ કરીને રોજગાર ઉભો કરીને નવું માર્કેટ તૈયાર કરી શકાય, તેમજ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા નવા નવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તેના વિશે તાલીમ આપી હતી. આ તાલીમનું આયોજન અને માર્ગદર્શન કૉલેજના આચાર્ય ડૉ. મનીષાબેન શાહ દ્વારા આપવામાં આવ્યું હતું તેમજ ઇનોવેશન ક્લબના કૉ-ઓર્ડીનેટર ડૉ. કમલેશ પટેલ દ્વારા જરૂરી વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી.