અનાજ- કઠોળ અને અન્ય ખાધ ચિજો ઉપર નાખવામાં આવેલ ૫% GST તાત્કાલિક દુર કરવા પાટણ ધારાસભ્ય ની માંગ..

પાટણ ધારાસભ્ય દ્વારા વડાપ્રધાન અને ગુજરાત નાં મુખ્યમંત્રી ને પત્ર લખી રજૂઆત કરી..

પ્રીપેકડ અનાજ, કઠોળ અને અન્ય ખાધ યીજો પર લગાવેલ 5% જીએસટી રદ કરવાની માંગ સાથે પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર લખી રજૂઆત કરી છે.
પાટણના ધારાસભ્ય દ્વારા વડાપ્રધાન અને મુખ્યમંત્રી ને સંબોધી લખાયેલા પત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી રાજ્યની અને દેશની પ્રજા મોંઘવારીનો ભારે માર સહન કરી રહી છે. ગરીબ અને મધ્યમ પરિવારના લોકો માટે ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. ત્યારે બીજી બાજુ કેન્દ્ર સરકાર દ્વારા જી.એસ.ટી કાઉન્સિલની 47 ની બેઠકમાં પ્રિ પેકડ લેબર્ડ અનાજ, કઠોળ, દહીં,પનીર,મય, મીંટ, મખના, મમરા,ગોળ જેવી રોજિંદી ખાધ ચીજ અને અનાજ પર પાંચ ટકા જીએસટી લાગુ કરવામાં આવેલ છે.
સરકારના આ નિર્ણયથી સમગ્ર વેપારી આલમમાં અને ખાસ કરીને નાના અને મધ્યમ વેપારીઓમાં ભારે રોષની લાગણી પેદા થઇ છે. અત્યાર સુધીની તમામ સરકારોએ અનાજ અને કઠોળને જીવન જરૂરિયાતની વસ્તુઓ ગણીને તેને તમામ પ્રકારના ટેક્સમાંથી મુક્તિ આપેલ હતી. ફૂડ સૌનો અધિકાર છે આ સિદ્ધાંતને ધ્યાને રાખીને અગાઉની સરકારોએ આ નિર્ણય લીધેલ હતો.
કોરોનાના કપરા સમય બાદ નાના અને મધ્યમ વેપારીઓ માંડ માંડ પોતાનો પરિવાર ચલાવતા થયા છે ત્યારે સરકાર દ્વારા પાંચ ટકા જીએસટી લાદી વેપારીઓ ઉપર પડતા પર પાટુ જેવી પરિસ્થિતિ પેદા કરી છે. વળી જે વેપારીઓનું ટર્નઓવર 40 લાખ થી ઓછું છે અને જેઓએ તારીખ ૧/૭/૨ર પહેલા પોતાનો માલ ખરીદેલ છે તેવા વેપારીઓ કઇ રીતે વેપાર કરશે એની પણ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી.
આમ જયા૨ે એક બાજુ મોંઘવારીનો ભારે માર પ્રજા સહન કરી રહી છે ત્યારે વેપારી ઉપર નાખેલા ટેક્સ પડ્યાના માથે પાટુ જેવી પરિસ્થિતિ પેદા કરશે છેવટે આ ભાર તો પ્રજા પર જ જવાનો છે. આ બાબત ગંભીરતાથી લોકોના અને વેપારીઓના હિત માટે ધ્યાનમાં લઈને આ ટેકસ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે તેવી માંગ સાથે પત્ર માં તેઓ દ્વારા રજુઆત કરવામાં આવી હોવાનું તેઓના અંગત સુત્રોએ જણાવ્યું હતું.