પાટણ શહેર ની 32 શાળાઓમાં ભારત વિકાસ પરિષદ -પાટણ શાખા દ્વારા ગુરુ વંદન – છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો.

પાટણ શહેર ની 32 શાળાઓમાં ભારત વિકાસ પરિષદ -પાટણ શાખા દ્વારા ગુરુ વંદન – છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો.

પાટણ તા.21
ભારત વિકાસ પરિષદ એ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની અવધારણા છે. તેમજ સદાય રાષ્ટ્ર ચિંતન કરતા દેશના પ્રબુદ્ધ વ્યકિતઓ દ્વારા નિર્માણ પામેલ એક માત્ર સંપૂર્ણ સ્વદેશી સંસ્થા છે.


સંપર્ક, સહયોગ,સંસ્કાર, સેવા અને સમર્પણ જેવા સૂત્રો જેના આધારસ્તંભ છે. સદર સંસ્થા દ્વારા યોજવામાં આવતા વિવિધ સંસ્કારલક્ષી કાર્યક્રમ પૈકી ગુરુ વંદન – છાત્ર અભિનંદન એ સંસ્કારલક્ષી કાર્યક્રમ પાટણ શહેરની તેમજ શહેરની આસપાસના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં જઇ ભારતના વિવિધ ઐતિહાસિક ગ્રંથોમાં વર્ણવેલ ગુરુ – શિષ્યના પવિત્ર સંબંધો બાલમાનસ પર અંકિત થાય અને એક નવીન ભારત નિર્માણ પામે તેવા સ્તુત્ય પ્રયાસો હાથ ધરવામાં આવે છે. શાળા કક્ષાએ આ ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ ની શરૂઆત સંસ્થાની પ્રણાલી મુજબ પૂર્ણ વંદે માતરમ્, દીપ પ્રાગટ્ય, અતિથિ દેવો ભવ: મહેમાનોનું સ્વાગત, સંસ્થા પરિચય, ગુરુ શિષ્યના સંબંધનું બૌદ્ધિક, તેજસ્વી છાત્રો તેમજ ઉત્કૃષ્ટ ગુરુઓનું સન્માન, શપથ, આભાર વિધિ,પુષ્પ,ફૂલ પાંદડીઓ દ્વારા ગુરૂપૂજન અને પ્રસાદ દ્વારા કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવે છે.


ગત તા.9 જુલાઈ થી સવાર – બપોર -સાજ એમ ત્રણેય સમયમાં સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા શહેરની જુદી જુદી 32 શાળાઓ માં 32 જેટલા ગુરૂ વંદન છાત્ર અભિનંદન નાં કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હોવાનું ભારત વિકાસ પરિષદ સંસ્થાના સુત્રોએ જણાવ્યું હતું.